તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
UPI પેમેન્ટ પર GSTનો એક પણ પૈસો નહીં લાગે: ૯૬% ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ મફત: NPCIએ તમામ અફવાઓ ફગાવી!
રૂ. ૨,૦૦૦ સુધીના તમામ વેપારી વ્યવહારો અને વ્યક્તિગત લેવડ-દેવડ સંપૂર્ણપણે ચાર્જમુક્ત: નાના દુકાનદારો અને સામાન્ય ગ્રાહકોને કોઈ જ અસર નહીં થાય

નવી દિલ્હી: ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ અને GST લાગુ થવાને કારણે નાના વેપારીઓ તથા સામાન્ય ગ્રાહકો પર આર્થિક બોજ વધશે તેવી વાતો વહેતી થઈ હતી. આ અંગે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સ્પષ્ટતા જાહેર કરીને તમામ મૂંઝવણો અને અફવાઓનો અંત લાવવામાં આવ્યો છે. NPCIએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે UPI દ્વારા થતા ૯૬ ટકાથી વધુ વ્યવહારો પર એક પણ પૈસાનો GST કે અન્ય ચાર્જ લાગશે નહીં.
NPCIના જણાવ્યા અનુસાર, રૂ. ૨,૦૦૦ સુધીના તમામ પર્સન ટુ મર્ચન્ટ એટલે કે ગ્રાહકથી વેપારી વચ્ચે થતા વ્યવહારો પહેલાંની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. તેના પર કોઈ MDR કે GST વસૂલવામાં આવશે નહીં. સરકારી આંકડા દર્શાવે છે કે દેશમાં UPI દ્વારા થતા કુલ વેપારી વ્યવહારોમાંથી ૯૬ ટકાથી વધુ ટ્રાન્ઝેક્શન રૂ. ૨,૦૦૦થી ઓછી રકમના હોય છે. આ ઉપરાંત, જે નાના વેપારીઓનું માસિક UPI કલેક્શન રૂ. ૧ લાખ સુધીનું છે, તેમને પણ MDRમાંથી મુક્તિ આપવામાં આવી છે. આથી નાના ગામડાંઓ કે શહેરોના નાના દુકાનદારોએ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. રૂ. ૨,૦૦૦થી વધુના P2M ટ્રાન્ઝેક્શન માટે જ ૦.૪% MDR લાગુ થશે. આ નિયમમાં પણ સુધારા સાથે મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે .
NPCI અને નાણા મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો છે કે વ્યક્તિ-થી-વ્યક્તિ એટલે કે એક સામાન્ય નાગરિક બીજા વ્યક્તિના ખાતામાં પૈસા મોકલે ત્યારે રકમ ગમે તેટલી હોય, તેના પર કોઈ જ ચાર્જ લાગશે નહીં. વધુમાં, MDR એ કોઈ સરકારી કર નથી, પરંતુ બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PSP) અને UPI એપ્લિકેશન્સ વચ્ચે સિસ્ટમના સંચાલન માટે વહેંચવામાં આવતો ચાર્જ છે. આમ, ગ્રાહકો કે નાના વેપારીઓએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે કોઈ પણ પ્રકારના ચાર્જ અંગે અસમંજસમાં રહેવાની જરૂર નથી.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
