તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
ખાતામાં શૂન્ય બેલેન્સ હશે તો પણ UPI થી થશે પેમેન્ટ! NPCI નો મોટો નિર્ણય: ૧૫ ડિસેમ્બર ૨૦૨૬થી ક્રેડિટ લાઇન સુવિધા થશે લાગુ
હવે બેંક બેલેન્સ નહીં પણ ક્રેડિટ લિમિટના આધારે ચુકવણી થશે: બેંકો ગ્રાહકોને ઓફર કરશે પ્રી-એપ્રોવ્ડ ડિજિટલ ઓવરડ્રાફ્ટ: બે પ્રકારની ક્રેડિટ લાઇન ઉપલબ્ધ બનશે

નવી દિલ્હી: દુકાન કે માર્કેટમાં ખરીદી કરતી વખતે બેંક એકાઉન્ટમાં બેલેન્સ શૂન્ય હોય અથવા વોલેટ ઘરે રહી ગયું હોય તો પણ હવે ગભરાવાની જરૂર રહેશે નહીં. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ UPI માળખામાં એક મોટો સુધારો કરતા પૂર્વ-મંજૂર ક્રેડિટ લાઇન ને ફંડિંગ સોર્સ તરીકે ઉમેરવાનો નિર્ણય કર્યો છે. NPCI એ ૧૮ સપ્ટેમ્બરના રોજ પરિપત્ર જારી કરીને તમામ સભ્ય બેંકો તેમજ ફોનપે, ગુગલ પે અને પેટીએમ જેવી એપ્લિકેશન્સને એકાઉન્ટ સ્ટ્રક્ચર પ્રમાણિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આખી સિસ્ટમ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૬ થી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.
પૂર્વ-મંજૂર ક્રેડિટ લાઇન એ બેંક તરફથી મળતી ડિજિટલ ઓવરડ્રાફ્ટ અથવા પૂર્વ-મંજૂર લોન જેવી સુવિધા છે. અત્યાર સુધી UPI નો ઉપયોગ કરવા માટે બચત ખાતામાં રોકડ હોવી જરૂરી હતી. પરંતુ નવી વ્યવસ્થા હેઠળ, જો બેંકે ગ્રાહકને દાખલા તરીકે ₹૫૦,૦૦૦ ની ક્રેડિટ મર્યાદા આપી હશે, તો તે રકમ બચત ખાતામાં ટ્રાન્સફર કર્યા વિના સીધી જ UPI સ્કેન દ્વારા વાપરી શકાશે. પેમેન્ટ કરતી વખતે ગ્રાહકની પાસે બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ લાઇનમાંથી ચૂકવણી કરવાનો વિકલ્પ સ્ક્રીન પર દેખાશે. ત્યારબાદ ખર્ચાયેલી રકમ નિયત શરતો અનુસાર ચૂકવવાની રહેશે.
ક્રેડિટ લાઇનના બે પ્રકાર અને સુવિધાની પાત્રતા:
NPCI ની યોજના મુજબ UPI પર ઉપલબ્ધ ક્રેડિટ મુખ્યત્વે બે પ્રકારની રહેશે:
૧. વ્યાજમુક્ત ક્રેડિટ લાઇન (CLIF): આ ક્રેડિટ કાર્ડના બિલિંગ સાયકલની જેમ કામ કરશે, જેમાં એક ચોક્કસ ગ્રેસ પિરિયડ મળશે. જો નિયત તારીખ સુધીમાં પૂરી રકમ ભરી દેવાય તો એક પણ રૂપિયો વ્યાજ ચૂકવવું પડશે નહીં.
૨. વ્યાજ-વાહક ક્રેડિટ લાઇન (CLIB): આ પર્સનલ લોન જેવી સુવિધા હશે, જેમાં ટ્રાન્ઝેક્શનની તારીખથી જ બેંક દ્વારા નક્કી કરાયેલ વ્યાજ લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે આ સુવિધા દરેક ગ્રાહકને આપોઆપ મળશે નહીં. બેંકો ગ્રાહકના ફાઇનાન્શિયલ હિસ્ટ્રી, ટ્રાન્ઝેક્શન રેકોર્ડ, આવક અને ક્રેડિટ સ્કોરના આધારે ક્રેડિટ મર્યાદા નક્કી કરશે.
ક્યાં ઉપયોગ થઈ શકશે અને ક્યાં નહીં?
આ સુવિધાથી ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને ઈમરજન્સી કે મહિનાના અંતે અણધાર્યા ખર્ચ વખતે મોટી રાહત મળશે. ગ્રાહકે માત્ર વાપરેલી રકમનું જ વ્યાજ કે ચૂકવણી કરવાની રહેશે.
જેમાં ઉપયોગ થઈ શકશે: ઇન-સ્ટોર અથવા ઓનલાઇન મર્ચન્ટ પેમેન્ટ્સ, EMI, UPI ઓટોપે અને UPI રિઝર્વ પે માટે આ ક્રેડિટ લાઇન માન્ય રહેશે. અમુક ચોક્કસ શરતો સાથે વ્યાજ-વાહક ક્રેડિટ લાઇન દ્વારા વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ટ્રાન્સફર પણ શક્ય બનશે.
જેમાં ઉપયોગ નહીં થઈ શકે: મિત્ર કે સગાના અંગત ખાતામાં P2P ટ્રાન્સફર માટે વ્યાજમુક્ત ક્રેડિટ લાઇનનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત UPI Lite, UPI સર્કલ અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન માટે પણ ક્રેડિટ લાઇનનો ઉપયોગ થઈ શકશે નહીં (RuPay ક્રેડિટ કાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય UPI ચુકવણીઓ ચાલુ રહેશે).
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
