<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

શેખ હસીનાની ઘરવાપસીના એલાનથી બાંગ્‍લાદેશમાં ઉથલપાથલ ! દેશમાં ૨ દિવસનું ફૂલ લોકડાઉન

અવામી લીગે મશાલ સરઘસ કાઢીને ૨૭ અને ૨૮ નવેમ્‍બરે સમગ્ર દેશમાં ફૂલ લોકડાઉન જાહેર કરી દીધુ : શેખ હસીના અને અન્‍ય નેતાઓ સામેના તમામ કેસ પાછા ખેંચવા, રાજકીય નિર્ણયો રદ કરવા અને પક્ષ પરનો પ્રતિબંધ હટાવવા માંગણી

ઢાકા તા.૨૫ : પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સ્‍વદેશ પરત ફરવાના એલાન સાથે જ બાંગ્‍લાદેશનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. દેશમાં ઠેર-ઠેર હિસક ઘટનાઓ સામે આવી રહી છે અને તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. આ પરિસ્‍થિતિ વચ્‍ચે અવામી લીગે આગામી ૨૭ અને ૨૮ નવેમ્‍બરના રોજ સમગ્ર બાંગ્‍લાદેશમાં ફૂલ લોકડાઉનની જાહેરાત કરી છે. મંગળવારે પક્ષના કાર્યકરોએ મશાલ સરઘસ કાઢીને વિરોધ નોંધાવ્‍યો હતો, જે બુધવારથી વધુ ઉગ્ર બનશે. શેખ હસીના ૧૬ ડિસેમ્‍બરે ૧૯૭૧ના મુક્‍તિ સંગ્રામના વિજય દિવસ નિમિત્તે બાંગ્‍લાદેશ પરત ફરવાના છે.

બાંગ્‍લાદેશમાં વકરેલી સ્‍થિતિને પગલે રાજકીય હલચલ તેજ બની છે. જમાત-એ-ઈસ્‍લામીના પ્રમુખ શફીકુર્રહમાન પોતાનો ઓસ્‍ટ્રેલિયા અને મલેશિયાનો પ્રવાસ ટૂંકાવીને તાત્‍કાલિક સ્‍વદેશ પરત ફરી રહ્યા છે. તેઓ વડાપ્રધાન તારિક રહેમાન સાથે મુલાકાત કરીને હસીનાની વાપસી અને કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ અંગે ચર્ચા કરશે. બીજી તરફ, હસીનાના ગૃહ જિલ્‍લા ગોપાલગંજમાં અવામી લીગના કાર્યકરો પર હુમલા થયા છે. તોફાની તત્‍વોએ ગોપાલગંજની ૧૨ દુકાનો અને ક્રિકેટ સ્‍ટેડિયમ નજીક આવેલી ફૂલોની દુકાનોમાં ભારે તોડફોડ મચાવી છે.

લોકડાઉનના એલાન સાથે અવામી લીગે સરકાર સમક્ષ ૮ મહત્‍વની માંગણીઓ મૂકી છે. પક્ષે શેખ હસીના અને અન્‍ય નેતાઓ સામેના તમામ કેસ પાછા ખેંચવા, રાજકીય નિર્ણયો રદ કરવા અને પક્ષ પરનો પ્રતિબંધ હટાવવા જણાવ્‍યું છે. આ ઉપરાંત રાજકીય કેદીઓને મુક્‍ત કરવા તેમજ મોંઘવારી પર કાબૂ મેળવી વીજળી, ગેસ, પાણી, ઈંધણ અને ખાતરના ભાવ ઘટાડવાની રજૂઆત કરી છે.

પક્ષે બંધ પડેલા ઉદ્યોગો ફરી શરૂ કરીને બેરોજગાર શ્રમિકોને રોજગારી આપવાની માંગ કરી છે. દેશમાં મહિલાઓ, બાળકો અને લઘુમતીઓની સુરક્ષા સુનિヘતિ કરવાની સાથે હત્‍યા, લૂંટફાટ અને ગેરકાયદેસર કબજા રોકવા જણાવ્‍યું છે. અંતમાં, સૈન્‍ય-નાગરિક અધિકારીઓ અને પત્રકારો પરના ખોટા કેસ રદ કરી પ્રેસની સ્‍વતંત્રતા જાળવવા તથા જેલમાંથી છૂટેલા આતંકીઓ અને ઉગ્રવાદીઓની તાત્‍કાલિક ધરપકડ કરવાની માંગ ઉઠાવી છે.

(10:11 AM IST)