તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
યુપી રાજકારણમાં ગરમાવો: ૧૨ ડિસેમ્બરે અખિલેશ યાદવ પરિવાર સાથે અયોધ્યા જશે, રામલલાના દર્શન કરશે
સપા નેતા પવન પાંડેની જાહેરાત; જાન્યુઆરી ૨૦૨૪ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અખિલેશ યાદવની પ્રથમ અયોધ્યા મુલાકાતને લઈને રાજકીય ગરમાવો

લખનૌ: ઉત્તર પ્રદેશમાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના વાતાવરણ વચ્ચે રાજકીય ક્ષેત્રે એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તેમની સાંસદ પત્ની ડીમ્પલ યાદવ અને પરિવાર સાથે આગામી ૧૨ ડિસેમ્બરના રોજ અયોધ્યાની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિર પહોંચીને રામલલાના આશીર્વાદ લેશે તથા હનુમાનગઢી મંદિરે જઈને પણ પૂજા-અર્ચના કરશે.
અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી પવન પાંડેએ શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. પાંડેએ જણાવ્યું હતું કે અખિલેશ યાદવ સપરિવાર અયોધ્યા આવશે, રામલલા અને હનુમાનજીના દર્શન કરશે અને સાથે જ સાધુ-સંતોને મળીને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કરશે.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ મુલાકાત
જાન્યુઆરી ૨૦૨૪માં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અખિલેશ યાદવની આ પ્રથમ અયોધ્યા અને રામ મંદિરની મુલાકાત હશે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા અખિલેશ યાદવ પર રામ મંદિરની મુલાકાત ન લેવા બદલ અને તુષ્ટીકરણની રાજનીતિ કરવાના સતત આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ અગાઉ અખિલેશે એવું નિવેદન આપ્યું હતું કે તેઓ ઇટાવામાં સમાજવાદી પાર્ટી દ્વારા નિર્માણધીન 'કેદારેશ્વર ધામ'નું કામ પૂર્ણ થયા બાદ રામ મંદિરના દર્શને જશે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા અને પક્ષ-વિપક્ષના પ્રહારો
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે અખિલેશ યાદવના આ નિર્ણયથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે અખિલેશ યાદવની આ પ્રસ્તાવિત મુલાકાતને ચૂંટણી પહેલાંનો સ્વાંગ ગણાવ્યો છે. બીજી તરફ, શાસક પક્ષ ભાજપે ૯૦ના દાયકામાં મુલાયમ સિંહ યાદવના શાસનકાળ દરમિયાન કારસેવકો પર થયેલા ગોળીબારના મુદ્દાને ફરી યાદ કરાવીને સપા પર નિશાન સાધ્યું છે.
જોકે, સમાજવાદી પાર્ટીના આ પગલાને હિન્દુ મતદારો સાથેના જોડાણને મજબૂત કરવાના અને ભાજપના ધાર્મિક ઘેરાબંધીના હથિયારને નિષ્ફળ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
