<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

‘UP પોલીસને તો વિખેરી જ નાખવી જોઈએ’: ધરપકડ છતાં 'અજાણ્યા' વાહનચાલક સામે FIR નોંધતાં ઉત્તર પ્રદેશ પોલીસ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

"આવો બકવાસ બંધ થવો જોઈએ, શું તપાસ સીબીઆઈ (CBI) ને સોંપી દઈએ?" - આરોપીને પકડીને સોંપવા છતાં FIRમાં નામ ન દર્શાવવા અને ક્લીન ચિટ આપવાના ખેલ પર જસ્ટિસ સંજય કુમારની આકરી ઝાટકણી

નવી દિલ્હી, તા.૩૦: ઉત્તર પ્રદેશ પોલીસની ગુનાહિત તપાસની પદ્ધતિ, ગંભીર ક્ષતિઓ અને અનિયમિતતાઓ સામે સર્વોચ્ચ અદાલતે અત્યંત આકરો અણગમો વ્યક્ત કર્યો છે. એક કેસની સુનાવણી દરમિયાન યુપી પોલીસની કામગીરીથી અત્યંત નારાજ થયેલી સુપ્રીમ કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે, "આપણે યુપી પોલીસને તો વિખેરી જ નાખવી જોઈએ!" કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે આવી પક્ષપાતી અને બકવાસ તપાસ વચ્ચે સામાન્ય જનતા દેશની પોલીસ વ્યવસ્થા પર કેવી રીતે વિશ્વાસ મૂકી શકે.

 

શું હતો સમગ્ર મામલો?

 

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ સંજીવ સચદેવાની બેન્ચ સમક્ષ ફરિયાદી પોતે હાજર રહ્યા હતા. ફરિયાદીનો આરોપ હતો કે તેમણે એક મોટરસાયકલ સવારને ઘટનાસ્થળે જ પકડીને પોલીસને સોંપ્યો હતો. આમ છતાં, પોલીસે બનાવટી રમત રમીને એફઆઈઆર (FIR) માં આરોપીનું નામ દર્શાવવાને બદલે "અજાણ્યા સવાર" સામે કેસ નોંધ્યો હતો!

 

એટલું જ નહીં, જ્યારે હાઈકોર્ટે સ્ટેટસ રિપોર્ટ માગ્યો ત્યારે ચાર્જશીટમાં તે વ્યક્તિનું નામ ઉમેરાયું, પરંતુ બાદમાં તેને અકલ્પનીય રીતે 'ક્લીન ચિટ' આપી દેવામાં આવી. આ ઉપરાંત, જપ્તી સમયે મોટરસાયકલ પર કોઈ નંબર પ્લેટ નહોતી, પરંતુ તપાસ રિપોર્ટમાં નંબર દર્શાવી દેવાયો હતો.

 

સુપ્રીમ કોર્ટે કવર-અપ જોઈને દાંત ભીંસ્યા

 

બેન્ચે આ સમગ્ર ઘટનાક્રમને પોલીસ દ્વારા કેસ પર "લીપાપોતી" (cover-up job) કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. અદાલતે યુપી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાને "સાવ નિરાશાજનક" ગણાવી ફગાવી દીધું હતું અને મૌખિક રીતે કહ્યું હતું કે, "આવો બકવાસ હવે બંધ થવો જોઈએ. શું અમારે ઉત્તર પ્રદેશમાં તમામ તપાસનો દોર સીબીઆઈ (CBI) ને સોંપી દેવો જોઈએ?"

 

નવું સોગંદનામું રજૂ કરવાનો આદેશ

 

સર્વોચ્ચ અદાલતે સંબંધિત પોલીસ અધિકારીને આકરો આદેશ આપતા આગામી સુનાવણીમાં નવું સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા માગી છે કે જ્યારે આરોપીને પકડીને સોંપાયો હતો, તો એફઆઈઆરમાંથી તેનું નામ શા માટે બાકાત રાખવામાં આવ્યું હતું. આ આકરા વલણથી કાયદા અમલીકરણ એજન્સીઓની બેદરકારી પર મોટી આંગળી ચીંધાઈ છે.

(4:07 PM IST)