<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

યુપી ચૂંટણી સર્વે: મહિલાઓ અને બિન-યાદવ OBCમાં ભાજપ-NDA આગળ, બેઠકોના અંદાજે રાજકીય ગણિત બદલ્યું

સ્કોર ઇન્ટેલિજન્સના ઓપિનિયન પોલમાં 46.18% મહિલા મતદારો NDA તરફી; સપા-કોંગ્રેસ બેઠક વહેંચણીમાં તણાવ વચ્ચે ચૂંટણી સમીકરણો પર સૌની નજર

લખનૌ : ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે જાહેર થયેલા નવા ઓપિનિયન પોલમાં ખુલાસો થયો છે કે 46.18 ટકા મહિલા મતદારો અને 55.26 ટકા બિન-યાદવ OBC મતદારો ભાજપ તથા તેના NDA સાથી પક્ષોને મત આપે તેવી શક્યતા છે, જ્યારે સમાજવાદી પાર્ટીને 31.51 ટકા મહિલા મત અને 29.30 ટકા બિન-યાદવ OBC મત મળવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. સર્વે એજન્સી 'સ્કોર ઇન્ટેલિજન્સ'ના આ અહેવાલ મુજબ કોંગ્રેસને 7.26 ટકા અને BSPને 12.33 ટકા મહિલા મતો મળવાની ધારણા છે, જ્યારે બિન-યાદવ OBC વર્ગમાં BSPને 7.23 ટકા અને કોંગ્રેસને 6.09 ટકા મત મળી શકે છે.

 

પુરુષ મતદારોના વલણ અંગે સર્વેમાં જણાવાયું છે કે સમાજવાદી પાર્ટીને 41.94 ટકા પુરુષ મતો મળવાની શક્યતા છે, જ્યારે BSPને 10.65 ટકા અને કોંગ્રેસને 8 ટકા પુરુષ મત મળી શકે છે, સાથોસાથ કેટલાક આંકડાઓમાં BSP તરફ 35 ટકા પુરુષ મતોનો પણ ઉલ્લેખ દર્શાવાયો છે. આ વલણો સ્પષ્ટ કરે છે કે મહિલા અને બિન-યાદવ OBC મતદારોનું સમર્થન NDA માટે મહત્વનો આધાર બની રહ્યું છે.

 

બેઠકોના અંદાજ મુજબ ભાજપને 177થી 215 બેઠકો અને સમાજવાદી પાર્ટીને 160થી 202 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સાથી પક્ષોમાં RLDને 10, અપના દળ (S)ને 5, સુભાસ્પાને 3થી 5 અને નિષાદ પાર્ટીને 1થી 3 બેઠકો મળી શકે છે. કોંગ્રેસ એકલા હાથે લડે તો 2 બેઠકો અને BSP 1 બેઠક જીતી શકે છે, જ્યારે ગઠબંધન સ્થિતિમાં NDAને 181થી 226 બેઠકો અને SP-કોંગ્રેસ ગઠબંધનને 174થી 201 બેઠકો મળવાનો અંદાજ છે.

 

આ સર્વે એવા સમયે આવ્યો છે જ્યારે 2027ની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને તણાવ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ત્રણ આંકડાની બેઠકોની માંગ કરી રહી છે, જ્યારે અખિલેશ યાદવ દ્વારા હાલ માત્ર 26 બેઠકોની ઓફર અપાતાં બંને પક્ષો વચ્ચે ખટાશ ઊભી થઈ છે અને કેટલાક નેતાઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે.

 

બીજી તરફ ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનમાં હાલ એકતા જોવા મળી રહી છે, જેના કારણે સાથી પક્ષોના બેઠક અંદાજ અને મત ટકાવારીના સમીકરણો પર રાજકીય વિશ્લેષકોની નજર કેન્દ્રિત થઈ છે.

 

આગામી મહિનાઓમાં ગઠબંધનની વાટાઘાટો, ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી પ્રચારની રણનીતિ સાથે આ આંકડાકીય અંદાજોમાં કેવા ફેરફાર થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

(6:54 PM IST)