તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Monday, 9th November 2026
યુપી ચૂંટણી 2027: પશ્ચિમ યુપીના દિગ્ગજ બ્રાહ્મણ નેતા રામવીર ઉપાધ્યાયના પરિવારનું કમબેક : બ્રજ પ્રદેશમાં રાજકીય ગરમાવો!
બસપાના પૂર્વ કેબિનેટ મંત્રી અને પાંચ વખત ધારાસભ્ય રહેલા સ્વ. રામવીર ઉપાધ્યાયના પરિવારની 2027 ની વિધાનસભા ચૂંટણીમાં એન્ટ્રીની અટકળોથી હાથરસ અને અલીગઢમાં સંગ્રામ : ભાજપ સહિતના પક્ષો દાવ લગાવવા તત્પર.

હાથરસ: ઉત્તર પ્રદેશની 2027ની વિધાનસભા ચૂંટણીને હજુ સમય છે, પરંતુ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને બ્રજ પ્રદેશના રાજકારણમાં અત્યારથી જ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અઢી દાયકા સુધી હાથરસ અને આસપાસના જિલ્લાઓ પર એકચક્રી શાસન કરનારા પશ્ચિમ યુપીના અગ્રણી બ્રાહ્મણ ચહેરા અને પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ. પંડિત રામવીર ઉપાધ્યાયનો પરિવાર ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રસ્થાને આવ્યો છે. વર્ષ 2022 માં કેન્સર સામેની જંગમાં રામવીર ઉપાધ્યાયના નિધન બાદ, હવે તેમની પત્ની સીમા ઉપાધ્યાય, પુત્ર ચિરાગ અને ભાઈઓ સહિત સમગ્ર પરિવાર 2027 ની રણભૂમિમાં ઉતરવાની તૈયારી કરી રહ્યો હોવાની અટકળોએ વેગ પકડ્યો છે.
પંડિત રામવીર ઉપાધ્યાયનો રાજકીય પ્રભાવ કોઈ એક પક્ષ કે ચોક્કસ કાર્યકાળ સુધી સીમિત નહોતો. 1993 માં અપક્ષ તરીકે રાજકીય સફર શરુ કર્યા બાદ 1996 માં બસપામાં જોડાયેલા ઉપાધ્યાયે 1996 થી 2017 સુધી સતત પાંચ વિધાનસભા ચૂંટણીઓ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીના સૌથી ખાસ અને વિશ્વાસુ નેતાઓમાં ગણાતા રામવીર ઉપાધ્યાયે માયાવતી સરકારમાં ઉર્જા, પરિવહન અને તબીબી શિક્ષણ જેવા અત્યંત મહત્વના મંત્રાલયો સંભાળ્યા હતા. તેમણે હાથરસ સદર, સિકંદરાવ અને સાદાબાદ એમ ત્રણેય બેઠકો પર પોતાનો વિજયધ્વજ લહેરાવીને ક્ષેત્રના રાજકારણ પર આધીપત્ય જમાવ્યું હતું.
હવે 2027 ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે બ્રજ ક્ષેત્રના બ્રાહ્મણ મતદારો પર મોટો પ્રભાવ ધરાવતો આ પરિવાર કયા પક્ષના સિમ્બોલ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે? જોકે પરિવાર તરફથી સત્તાવાર રીતે ઉમેદવારી કે બેઠકની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભાજપ સહિતના અગ્રણી રાજકીય પક્ષો આ પ્રભાવશાળી પરિવાર પર દાવ લગાવવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે. જિલ્લા પંચાયતથી લઈને લોકસભા સુધી પોતાનો દબદબો ધરાવનાર આ પરિવારની 2027 માં રાજકીય એન્ટ્રી પશ્ચિમ યુપીના ચૂંટણી સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખવા માટે સક્ષમ માનવામાં આવે છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
