<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

દિલ્હી રેલી પહેલા યુપી બોર્ડર પર ભારે હંગામો: સપા કાર્યકરોએ બેરિકેડ તોડી આગળ વધવાનો પ્રયાસ કર્યો

રામલીલા મેદાન તરફ જતાં સપા સમર્થકોને પોલીસે અટકાવતા ઘર્ષણ અને જોરદાર નારેબાજી વચ્ચે વાતાવરણ તંગદિલીભર્યું

સાહિબાબાદ :રાજધાની દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનની વિરાટ મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે યુપી બોર્ડર પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ મેગા રેલીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં જઈ રહેલા સમાજવાદી પાર્ટી (સપા)ના કાર્યકરોને યુપી બોર્ડર પર જ પોલીસ કાફલા દ્વારા રસ્તામાં અટકાવી દેવામાં આવ્યા હતા. પોલીસની આ અટકાયતથી રોષે ભરાયેલા સપા કાર્યકરોએ વિરોધ દર્શાવતા રસ્તા પર ધામા નાખ્યા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિસ્તારને ગંજવી મુક્યો હતો.

પોલીસ પ્રશાસન દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને કાર્યકરોને દિલ્હી સરહદમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા. પરંતુ ઉશ્કેરાયેલા સપા નેતાઓ અને કાર્યકરોએ સુરક્ષા કોર્ડન તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સપા કાર્યકરો અને પોલીસ જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કેટલાક કાર્યકરો બેરિકેડ ઓળંગીને આગળ વધ્યા હતા તો કેટલાક રસ્તા પર જ બેસીને વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા.

આ સમગ્ર ઘટના બાદ યુપી-દિલ્હી સરહદ પર વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી હતી અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સરહદી વિસ્તારમાં કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધારાનો પોલીસ કાફલો અને અર્ધસૈનિક દળો ખડકી દેવામાં આવ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને કાર્યકરોને શાંત પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ સપા કાર્યકરો રેલી સ્થળે પહોંચવા માટે મક્કમ દેખાયા હતા.

અગાઉ પણ રાજકીય પ્રદર્શનો અને રેલીઓ વખતે યુપી બોર્ડર પર કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવી ચૂક્યા છે. હાલમાં બોર્ડર પર તંગદિલીપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે અને પોલીસ દ્વારા ચુસ્ત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રેલી પૂર્ણ ન થાય ત્યાં સુધી બોર્ડર વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન જાળવી રાખવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

(2:02 PM IST)