<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

૧૯૮૦ના દાયકા સુધી કલકત્તા વિશ્વમાં માનવ કંકાલનું સૌથી મોટું નિકાસકાર હતું

કલકત્તાની "બોન" ફેક્ટરીઓ અને કબ્રસ્તાનમાંથી ચોરાતા મૃતદેહોનો કાળો ઈતિહાસ: ૧૯૮૫માં ભારત સરકારે નિકાસ પર કડક પ્રતિબંધ મૂક્યો

કોલકત્તા: હાલમાં ઇન્ટરનેટ અને એક્સ (જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું), ઇન્સ્ટાગ્રામ સહિતના વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર એક ચોંકાવનારી તસવીર અને દાવો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ પોસ્ટમાં જેનઝી (આજની નવી પેઢી) ને સંબોધીને એક સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, વર્ષ ૧૯૮૦ સુધી કલકત્તા મેડિકલ પ્રોગ્રામ માટે માનવ હાડપિંજર (કંકાલ) પૂરું પાડતું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર હતું અને અહીંથી દર વર્ષે ૬૦,૦૦૦ માનવ કંકાલની નિકાસ થતી હતી. આ માહિતી આપ્યા બાદ પોસ્ટના અંતે એક કટાક્ષભર્યો સવાલ પૂછવામાં આવ્યો છે કે, "વિચારો, તે સમયે કલકત્તામાં સૌથી મોટો આશ્રમ અને અનાથાશ્રમ કોણ ચલાવતું હતું?" આ સવાલનો સીધો ઈશારો મધર ટેરેસા અને તેમના દ્વારા સ્થાપિત સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટી તરફ કરવામાં આવ્યો  હોવાનું મનાય છે, જેઓ એ સમયે કલકત્તામાં ગરીબો અને અનાથ બાળકો માટે કામ કરતા હતા. વિસ્તૃત છાનબીનના અંતે એવું સામે આવ્યું છે કે આ દાવો બે ભાગમાં વહેંચાયેલો છે: એક ભાગ સંપૂર્ણપણે ઐતિહાસિક સત્ય છે, જ્યારે બીજો ભાગ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલ વજુદ વિનાનું દર્શાય છે.

 

  ઐતિહાસિક સત્ય: કલકત્તાનો માનવ કંકાલનો વેપાર  

વાયરલ પોસ્ટનો એ દાવો બિલકુલ સાચો છે કે કલકત્તા (જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે) એક સમયે માનવ હાડપિંજરની નિકાસ માટે સમગ્ર વિશ્વનું સૌથી મોટું હબ હતું. બ્રિટિશ શાસનકાળથી શરૂ થયેલો આ કાળો વેપાર આઝાદી પછી પણ ફૂલ્યોફાલ્યો હતો અને વર્ષ ૧૯૬૦ થી ૧૯૮૦ ના દાયકામાં તે પોતાની ચરમસીમા પર હતો. તે સમયે ખરેખર દર વર્ષે અંદાજિત ૬૦,૦૦૦ જેટલા માનવ કંકાલ વિદેશની નામાંકિત મેડિકલ કોલેજો અને રિસર્ચ સેન્ટરોમાં તબીબી અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા. આ કંકાલની માંગ સમગ્ર યુરોપ અને અમેરિકામાં રહેતી હતી.

 

આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓના ઐતિહાસિક દસ્તાવેજો અને જુદા જુદા તપાસ અહેવાલો સ્પષ્ટ કરે છે કે, આ હાડપિંજરનો વેપાર કોઈ ધાર્મિક કે સેવાભાવી સંસ્થા દ્વારા નહીં, પરંતુ સંગઠિત માફિયાઓ અને લાયસન્સ ધરાવતા ખાનગી વેપારીઓ દ્વારા ચલાવવામાં આવતો હતો.

 

આ માફિયાઓ સ્મશાનમાં કામ કરતા ડોમ, કબ્રસ્તાનના ચોકીદારો અને સરકારી મડદાઘરના કર્મચારીઓને રોકડી લાંચ આપીને બિનવારસી મૃતદેહો મેળવતા હતા. આ ઉપરાંત, ઘણીવાર પવિત્ર ગંગાની શાખા એવી હુગલી નદીમાંથી પણ વહેતા મૃતદેહો ખેંચી કાઢવામાં આવતા હતા.

 

કલકત્તા અને હાવડાના છૂપા વિસ્તારોમાં આવેલી 'બોન ફેક્ટરી' (હાડકાં સાફ કરવાના ગુપ્ત કારખાના) માં આ મૃતદેહોને મોટા વાસણોમાં ઉકાળીને, કેમિકલથી બ્લીચ કરીને મેડિકલ ગ્રેડના હાડપિંજર તૈયાર થતા હતા. આખી વ્યવસ્થા પૈસાના જોરે ચાલતી હતી, જેમાં ગરીબ લાચારોના મૃતદેહોનો વેપાર થતો હતો.

 

  સરકારનો ઐતિહાસિક પ્રતિબંધ  

વર્ષ ૧૯૮૫ માં એક અત્યંત ભયાનક કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં એક વેપારી દ્વારા બાળકોના હાડપિંજરની નિકાસ થતી પકડાઈ હતી. આ ઘટના બાદ નિર્દોષ બાળકોની હત્યાઓની આશંકા ઊભી થતાં ભારે હોબાળો મચ્યો હતો. આખરે દબાણવશ ભારત સરકારે વર્ષ ૧૯૮૫માં દેશમાંથી માનવ અવશેષોની નિકાસ પર કડક અને કાયમી પ્રતિબંધ મૂકી દીધો હતો.

 

કલકત્તાનો કંકાલ વેપાર એ ભારતનો એક કાળો ઐતિહાસિક અધ્યાય જરૂર છે, અને તે સમયે આ માર્કેટ ઘણું મોટું હતું તે હકીકત છે. પરંતુ તેને કોઈ હોસ્પિસ કે અનાથાશ્રમ સાથે જોડતી વાતો અફવા  હોવાનું દર્શાય છે.. ડિજિટલ યુગમાં નાગરિકોએ સાવધાન રહેવું હિતાવહ છે.

 

 

 

 

 

(5:20 PM IST)