<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

દેશના અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ : ભારે વરસાદની ચેતવણી : અમુક રાજ્યોમાં ભીષણ ગરમી :હીટવેવનું એલર્ટ

ઉત્તર પ્રદેશમાં ગરમીનો પારો 40 થી 43 ડિગ્રીને પાર પહોંચી ગયો: 45 ડિગ્રી તાપમાન સાથે પ્રયાગરાજ દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું

નવી દિલ્હી :દેશમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. દેશનો એક ભાગ જ્યાં ધોધમાર વારસાદ વરસી રહ્યો છે, ત્યાં બીજીબાજું ભીષણ ગરમી અને લૂની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ  દ્વારા આગામી દિવસો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પૂર્વીય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના બાકીના ભાગોમાં ચોમાસું બેસી જવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં 24 જૂન સુધી અતિભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે સ્થાનિક તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન પશ્ચિમ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગુજરાત, તમિલનાડુ અને કેરળના અનેક વિસ્તારોમાં 12 થી લઈને 20 સેન્ટિમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તોફાની પવનો અને કરાની સાથે પહાડી વિસ્તારોમાં ભારે નુકસાનના અહેવાલો પણ સામે આવ્યા છે.

એકબાજુ જ્યાં વરસાદી માહોલ છે, ત્યાં બીજીબાજુ મધ્ય અને દક્ષિણ-ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમી આસમાનથી આફત વરસાવી રહી છે. વિदर्भ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 20 જૂન સુધી આકરી લૂ ચાલુ રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ ગરમીનો પારો 40 થી 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેમાં 45 ડિગ્રી તાપમાન સાથે પ્રયાગરાજ દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.

દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો (NCR)માં આગામી થોડા દિવસો સુધી હવામાનનો મિજાજ પલટાયેલો રહેશે. હવામાન વિભાગના મતે 18 થી 21 જૂન દરમિયાન આ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવા સાથે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા છે.

હવામાન વિભાગે દેશના નાગરિકો, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને બપોરના સમયે સીધા તડકામાં ન નીકળવાની કડક સલાહ આપી છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી, ઓઆરએસ (ORS), છાશ, લસ્સી અને લીંબુ પાણીનું સેવન કરવા જણાવાયું છે. તંત્રએ લોકોને હવામાનની પળેપળની અપડેટ પર નજર રાખવા અને સ્થાનિક વહીવટીતંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે.

(7:49 PM IST)