તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
દેશની શાળાઓમાં છત્રપતિ શિવાજી મહારાજના અપ્રતિમ શૌર્ય અને સુશાસનનો અભ્યાસ કરાવાશે
મહારાષ્ટ્ર સરકારની પહેલ બાદ CBSEના અભ્યાસક્રમમાં ફેરફાર :શૌર્ય અને સુશાસન વિશે 22 પાનાનો વિગતવાર અભ્યાસ દેશભરના વિદ્યાર્થીઓ કરશે.

મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને વીર યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમ અને તેમની વહીવટી કુશળતા વિશે હવે આખું ભારત શીખશે. મહારાષ્ટ્ર સરકારના સતત પ્રયાસો બાદ, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ પોતાના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કર્યો છે.
અત્યાર સુધી પાઠ્યપુસ્તકોમાં છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ માત્ર દોઢ કોલમમાં સમાપ્ત થઈ જતો હતો, જે હવે વધીને 22 પાનાનો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી દાદા ભુસેએ વિધાનસભામાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે આ બાબતે ચર્ચા કરી હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અન્ય કડક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે:
- તમામ શાળાઓમાં મરાઠી ભાષા ભણાવવી અને મરાઠીમાં પરીક્ષા લેવી અનિવાર્ય છે.
- નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળાઓને 1 લાખ રૂપિયાનો દંડ અને સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
- હવે દરેક શાળામાં રાષ્ટ્રગાન બાદ મહારાષ્ટ્ર રાજ્યનું ગાન વગાડવું પણ ફરજિયાત રહેશે.
આ નિર્ણયને મહારાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવાના એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ હવે માત્ર શિવાજી મહારાજના યુદ્ધો જ નહીં, પરંતુ તેમની સુશાસન પદ્ધતિ અને નીતિઓ વિશે પણ વિગતવાર જાણી શકશે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
