<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

PoKમાં 'અજાણ્યા હુમલાખોરો'નો કહેર: પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન ઠાર

ISI એ આચાર્ય બનાવી AK-47 ધરાવતા બોડીગાર્ડ્સની સુરક્ષા કવચ આપી હોવા છતાં, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી કમાન્ડર અર્જુમંદ ગુલઝાર ઉર્ફે 'ડોક્ટર'નો સફાયો કરવામાં આવ્યો.

 

 

મુઝફ્ફરાબાદ :  PoKમાં ફરી એકવાર 'અજાણ્યા હુમલાખોરો'એ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના નાક નીચેથી એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પુલવામા હુમલાના ગુનેગાર અને અલ-બદ્ર આતંકવાદી સંગઠનના કમાન્ડર હમઝા બુરહાન, જેનું સાચું નામ અર્જુમંદ ગુલઝાર ડાર હતું, તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે ISI એ તેને બચાવવા માટે એક શાળાના 'આચાર્ય' તરીકેની ઓળખ આપી હતી અને તેની સુરક્ષામાં અત્યાધુનિક AK-47 રાઈફલ્સ ધરાવતા રક્ષકો તૈનાત કર્યા હતા. છતાં, કડક સુરક્ષા ઘેરાને તોડીને હુમલાખોરોએ તેને સચોટ નિશાન બનાવ્યો હતો.

અર્જુમંદ ગુલઝાર માત્ર 27 વર્ષનો હતો અને તે કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરાનો રહેવાસી હતો. તે આતંકી દુનિયામાં 'ડોક્ટર' અને 'હમઝા બુરહાન' જેવા કોડ નેમથી કુખ્યાત હતો. 2019માં થયેલા પુલવામા આત્મઘાતી હુમલામાં, જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા, તેમાં તેની મુખ્ય ભૂમિકા હોવાનું મનાય છે. તેણે માત્ર આ હુમલાનું કાવતરું જ નહોતું ઘડ્યું, પરંતુ તે જમ્મુ-કાશ્મીરના ભોળા યુવાનોને બ્રેઈનવોશ કરીને આતંકવાદના માર્ગે વાળવા માટે એક આખું ભરતી નેટવર્ક ચલાવતો હતો. તેની સામે અનેક ગ્રેનેડ હુમલા અને વિસ્ફોટકોના સપ્લાયના કેસ નોંધાયેલા હતા.

આ હત્યા બાદ પાકિસ્તાની એજન્સીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને PoKમાં આશરો લઈ રહેલા ભારત વિરોધી આતંકવાદીઓ એક પછી એક શંકાસ્પદ રીતે ઠાર થઈ રહ્યા છે. હમઝા બુરહાનનું મૃત્યુ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન 'અલ-બદ્ર' માટે મોટો ફટકો માનવામાં આવે છે. ભારત માટે આ એક ન્યાય સમાન ઘટના છે, કારણ કે જે પુલવામા હુમલાએ દેશની છાતીમાં કાયમી ઘા આપ્યો હતો, તેનો એક મુખ્ય સૂત્રધાર આખરે તેના પાપોની સજા ભોગવી ચૂક્યો છે. હાલમાં આ હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે સસ્પેન્સ અકબંધ છે.

(3:46 PM IST)