તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
જામીન અરજીઓ પર ઝડપથી સુનાવણી કરો અને મુદતો આપવાનું ટાળો : સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને ડેડલાઈન સેટ કરવા નિર્દેશ આપ્યા
ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઈન્કાર છે - સર્વોચ્ચ અદાલતની કડક તાકીદ : જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે તે સિદ્ધાંતનું પાલન કરવા પર ભાર - લાંબા સમય સુધી જેલમાં રહેલા કેદીઓ માટે રાહતના સંકેત

નવી દિલ્હી:દેશની વિવિધ હાઈકોર્ટોમાં જામીન અરજીઓના વધતા જતા ભરાવા અને સુનાવણીમાં થતા અસાધારણ વિલંબ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે તમામ હાઈકોર્ટને આદેશ આપ્યો છે કે તેઓ જામીન અરજીઓ માટે ચોક્કસ સમયમર્યાદા (Deadline) નક્કી કરે અને વગર કારણે સુનાવણી મોકૂફ રાખવાની એટલે કે એડજર્નમેન્ટ આપવાની પ્રથા બંધ કરે.
જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે જણાવ્યું હતું કે વ્યક્તિની સ્વતંત્રતા એ સૌથી પવિત્ર અધિકાર છે. જામીન માટેની અરજી મહિનાઓ સુધી પેન્ડિંગ રહેવી જોઈએ નહીં. અદાલતે નોંધ્યું કે ઘણીવાર હાઈકોર્ટમાં જામીન અરજીઓ પર સુનાવણી થતા લાંબો સમય લાગે છે, જેને કારણે આરોપીઓ લાંબા સમય સુધી જેલમાં રહે છે, ભલે પાછળથી તેઓ નિર્દોષ છૂટે.
સર્વોચ્ચ અદાલતે દરેક હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે કે તેઓ જામીન કેસોના નિકાલ માટે પોતાની આંતરિક ગાઈડલાઈન બનાવે. જો કોઈ જામીન અરજી પર સુનાવણી પૂરી થઈ ગઈ હોય, તો તેનો આદેશ પણ ઝડપથી આપવો જોઈએ. અદાલતે ભારપૂર્વક કહ્યું કે "જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે" (Bail is the rule, Jail is an exception), આ કાયદાકીય સિદ્ધાંતને વાસ્તવિકતામાં અમલમાં મૂકવો જરૂરી છે.
સુનાવણી દરમિયાન અદાલતે ટાંક્યું કે જેલની ભીડ ઘટાડવા માટે અને ન્યાયી સુનાવણી સુનિશ્ચિત કરવા માટે જામીન અરજીઓનો ત્વરિત નિકાલ અનિવાર્ય છે. વકીલો દ્વારા પણ બિનજરૂરી મુદતો માંગવાની વૃત્તિ પર અદાલતે નારાજગી દર્શાવી છે. અદાલતે કહ્યું કે ન્યાયાધીશોએ કડકાઈ બતાવવી પડશે અને જામીન જેવા સંવેદનશીલ મુદ્દાઓને પ્રાથમિકતા આપવી પડશે.
આ આદેશ બાદ હવે દેશભરની હાઈકોર્ટોએ જામીન અરજીઓની સુનાવણી માટે વિશેષ વ્યવસ્થા કરવી પડશે. આ નિર્ણયથી લાખો અન્ડરટ્રાયલ કેદીઓને મોટી રાહત મળવાની આશા છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે તમામ હાઈકોર્ટ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
