<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

પાણીના ટીપા માટે તરસતા ગામનો અનોખો આક્રોશ: મહારાષ્ટ્રના તુળશી ગ્રામજનોએ લગાવ્યા 'ગામ વેચવાનું છે'ના બોર્ડ, ઉદ્યોગપતિઓને ખરીદી લેવા કરી અપીલ

કેનાલ માત્ર ૮૦૦ મીટર દૂર હોવા છતાં સિંચાઈ અને પીવાના પાણી માટે વલખાં: ગામમાં પાણી ન હોવાથી યુવાનોના લગ્ન પણ અટક્યા, કંટાળેલા લોકોએ સરકારની ઉદાસીનતા સામે બ્યુગલ ફૂંક્યું.

સોલાપુર, તા.૨૮: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માઢા તાલુકામાં આવેલું તુળશી ગામ આ દિવસોમાં એક અત્યંત ચોંકાવનારા અને દર્દનાક આક્રોશને કારણે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. વર્ષો જૂની પીવાના અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યાથી કંટાળી ગયેલા ગ્રામજનોએ સરકાર અને વહીવટીતંત્રની ઘોર ઉપેક્ષા સામે વિરોધ નોંધાવવા માટે ગામના પ્રવેશદ્વાર પર "ગામ વેચવાનું છે" (गाव विकणे आहे) ના બેનરો લગાવી દીધા છે. આટલું જ નહીં, હતાશ થયેલા ગ્રામજનોએ દેશના મોટા ઉદ્યોગપતિઓને આગળ આવીને આખું ગામ ખરીદી લેવા આહ્વાન કર્યું છે.

હૃદયદ્રાવક બાબત એ છે કે તુળશી ગામથી માત્ર ૮૦૦ મીટરના અંતરેથી સિંચાઈની કેનાલ પસાર થાય છે, છતાં સરકારી 'સીના માઢા લિફ્ટ ઇરિગેશન સ્કીમ'ના કમાન્ડ એરિયામાં આ ગામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પરિણામે, ખેતી માટે તો ઠીક, પીવા માટે પણ લોકોને પાણી મળતું નથી. ગ્રામજનોએ બાજુના ગામોમાંથી સાયકલ, બળદગાડા કે ટેમ્પોમાં વાદળી રંગના પ્લાસ્ટિક ડ્રમ ભરીને પાણી લાવવું પડે છે. ગામમાં પાણીની ભયંકર તંગી હોવાને કારણે આસપાસના ગામના લોકો પોતાની દીકરીઓને આ ગામમાં પરણાવવા તૈયાર થતા નથી, જેના કારણે અનેક યુવાનોના લગ્ન અટકી પડ્યા છે.

પાણીના આ સંકટે ગામની આર્થિક કરોડરજ્જુ પણ ભાંગી નાખી છે. એક સમયે જે ગામમાં દરરોજ ૪૦ થી ૪૫ હજાર લિટર દૂધનું ઉત્પાદન થતું હતું, તે આજે પાણી અને ઘાસચારાના અભાવે ઘટીને માંડ ૧૦ થી ૧૫ હજાર લિટરે આવી ગયું છે. આ ઉપરાંત, વરસાદની ખેંચને કારણે સ્થાનિક ખેતમજૂરો માટે રોજગારની તંગી પણ ઉભી થઈ છે. પાણી માટે અસંખ્ય આંદોલનો અને ઉપવાસ કરવા છતાં માત્ર કાગળ પરના આશ્વાસનો મળતાં, ગ્રામજનોએ આખરે આ લોકશાહી વ્યવસ્થા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.

(5:02 PM IST)