<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

એકતા નગર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 'ચિંતન શિબિર ૨૦૨૬'નું ઉદ્ઘાટન કર્યું : ભવિષ્ય માટે સજ્જ હાઇવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એજન્ડા નક્કી કરાયો

‘ગતિશક્તિ સે પ્રગતિ’ વિષય હેઠળ યોજાયેલા બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં સંકલિત આયોજન, માર્ગ સુરક્ષા, હરિત હાઇવે, ટોલ સુધારણા અને પ્રોજેક્ટની ગુણવત્તા પર મૂકાયો વિશેષ ભાર

એકતા નગર (નર્મદા): કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સિટી-૨ માં "ચિંતન શિબિર ૨૦૨૬ – હાઇવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રાષ્ટ્રીય સંમેલન" નું ઉદ્ઘાટન કર્યું હતું. "ગતિશક્તિ સે પ્રગતિ" ના સૂત્ર હેઠળ યોજાઈ રહેલા આ બે દિવસીય સંમેલનમાં દેશના હાઇવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરવા માટે રાજ્યોના પરિવહન અને PWD મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ એજન્સીઓના હિતધારકો એકત્રિત થયા છે. ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ પણ સંબોધન કર્યું હતું.

ઉદ્ઘાટન સત્રને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિર કેન્દ્ર અને રાજ્યોને સાથે મળીને કામ કરવા, ક્ષેત્ર-સ્તરના અનુભવો શેર કરવા અને હાઇવે વિકાસના ઉભરતા પડકારો માટે વ્યવહારિક ઉકેલો શોધવા માટેનું મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશભરમાં પ્રોજેક્ટ અમલીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલી સફળ પદ્ધતિઓનું આદાન-પ્રદાન થવું જોઈએ. હાઇવે વિકાસ ગુણવત્તા, સુરક્ષા, ઝડપ અને વિશ્વસ્તરીય ધોરણો પર આધારિત હોવો જોઈએ. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તબક્કે અગાઉથી આયોજન, સર્વેક્ષણ, જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ અને વૈધાનિક મંજૂરીઓ સમયસર મેળવવાથી વિલંબ અને ખર્ચનો વધારો અટકાવી શકાય છે.

માર્ગ સુરક્ષાને શરૂઆતથી જ આયોજન અને પ્રોજેક્ટ ડિઝાઇનમાં સાંકળવા આહ્વાન કરતાં તેમણે ઉમેર્યું કે અકસ્માત સંભવિત વિસ્તારોની ઓળખ કરીને યોગ્ય સુધારા કરવાથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાશે. આ ઉપરાંત, શહેરો, બંદરો અને ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચે અવિરત કનેક્ટિવિટી પૂરી પાડવાથી વેપાર, રોકાણ અને રોજગારને વેગ મળશે. બાંધકામ તથા જાળવણી ખર્ચ ઘટાડવા માટે નવી ટેકનોલોજી, ખર્ચ-અસરકારક સામગ્રી અને રિસાયકલ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવા તેમણે સૂચન કર્યું હતું. પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણને ધ્યાનમાં રાખીને સંમેલનમાં 'એન્વાયર્નમેન્ટ અને વાઇલ્ડલાઇફ મિટિગેશન મેઝર્સ' દસ્તાવેજ તેમજ 'પર્સપેક્ટિવ્સ ઇન સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ' પર બ્રિક્સ સંકલન લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ બે દિવસીય સંમેલનમાં પીએમ ગતિશક્તિ, જમીન સંપાદન માટે 'ભૂમિ રાશિ', મોડેલ કન્સેશન કરારો, ગ્રીન હાઈવેની ડિઝાઈન, માર્ગ સુરક્ષા, ગુણવત્તાની ખાતરી તથા ફાસ્ટેગ એન્યુઅલ પાસ અને મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) જેવા ટેકનોલોજી-આધારિત ટોલ સુધારણા જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગહન ચર્ચા હાથ ધરવામાં આવશે. અંતમાં મંત્રીશ્રીએ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે તમામ હિતધારકોને સામૂહિક રીતે યોગદાન આપવા અપીલ કરી હતી.

(6:28 PM IST)