News of Sunday, 24th May 2026
બિહારમાં સ્ટેજ પર ભાષણ આપી રહેલા કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી પર અચાનક પથ્થરમારોઃ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ
મંત્રીનો આબાદ બચાવ થતાં તંત્રએ હાશકારો અનુભવ્યોઃ કેન્દ્રીય મંત્રીને પહેલાં પણ મળી હતી હુમલાની ગંભીર ધમકીઓ: પોલીસે ઘટનાસ્થળેથી બે સગીર વયના નરાધમોની અટકાયત કરીને ગુના પાછળનું અસલી કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ગયા: બિહારના રાજકારણમાંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં શુક્રવારે સાંજે એક હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની અવમ મોરચા (HAM) ના સુપ્રીમો જીતન રામ માંઝી પર અસામાજિક તત્વો દ્વારા સરેઆમ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જિલ્લાના ખીજરાસરાય વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં આયોજિત કાર્યક્રમમાં જ્યારે મંત્રી સ્ટેજ પરથી જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે અચાનક પથ્થરો ધસી આવ્યા હતા. આ પથ્થરો કેન્દ્રીય મંત્રીની બિલકુલ નજીક આવીને પડ્યા હતા, જેમાં તેઓ સદનસીબે આબાદ બચી ગયા હતા. આ સનસનાટીભરી ઘટનાને પગલે કાર્યક્રમમાં થોડીવાર માટે ભારે અફડાતફડી અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો અને મંત્રીની સુરક્ષામાં લાગેલી આ મોટી ખામીને કારણે ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને જોતાં જ આસપાસના અનેક પોલીસ સ્ટેશનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર ડીએસપી સુરેન્દ્ર કુમાર સિંહ અને એસડીઓ કેશવ આનંદે ત્વરિત કાર્યવાહી કરીને પથ્થરમારો કરનારા બે સગીર છોકરાઓની અટકાયત કરી લીધી છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ જણાવ્યું હતું કે, સ્ટેજ પર વ્યસ્ત હોવાને કારણે તેઓ જોઈ શક્યા નહોતા કે વાસ્તવમાં શું બન્યું, પરંતુ સમાજમાં કેટલાક એવા તત્વો સક્રિય છે જેઓ ક્યારેય સારું કામ ઈચ્છતા નથી અને ખૂબ દૂરથી પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાની આશંકા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માંઝી પરિવાર પર છેલ્લા એક સપ્તાહમાં હુમલાની આ બીજી મોટી ઘટના છે. ગયા રવિવારે જ કેન્દ્રીય મંત્રીના ભાભી અને ધારાસભ્ય જ્યોતિ માંઝી પર પણ ગંભીરા ગામ નજીક અસામાજિક તત્વોએ હુમલો કરી તેમની કારના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વિડીયો જાહેર કરી જીતન રામ માંઝીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે મામલે સાયબર પોલીસે માત્ર ૪૮ કલાકમાં નાલંદા જિલ્લામાંથી રાજેશ રાવ ઉર્ફે સરદાર નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી હતી. ધમકી આપનારની ધરપકડ બાદ પણ કેન્દ્રીય મંત્રી પર સીધો પથ્થરમારો થતાં બિહારમાં નેતાઓની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
