<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

કેન્દ્રીય મંત્રી બંડી સંજયનો પુત્ર વિવાદોના વંટોળમાં: સગીરાની છેડતી મામલે ભગીરથ સામે POCSO હેઠળ ફરિયાદ, તો વળતા આક્ષેપમાં 5 કરોડની ખંડણીનો દાવો!

હૈદરાબાદથી કરીમનગર સુધી હલચલ: મંત્રીના પુત્ર સામે જાતીય પજવણીનો ગંભીર ગુનો, પરિવારે વળતો 'હની ટ્રેપ'નો આક્ષેપ લગાવતા મામલો ગરમાયો

હૈદરાબાદ : કેન્દ્રીય મંત્રી બંડી સંજય કુમારના પુત્ર બંડી ભગીરથ સાથે જોડાયેલા બે પરસ્પર વિરોધી પોલીસ કેસોએ તેલંગાણાના રાજકારણમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. એક તરફ ભગીરથ સામે સગીરાના શોષણનો આરોપ લાગ્યો છે, તો બીજી તરફ મંત્રીના પુત્રએ પોતે જ હની ટ્રેપનો શિકાર બન્યા હોવાનો દાવો કરીને સગીરાના પરિવાર સામે ૫ કરોડની ખંડણીની ફરિયાદ કરી છે. આ હાઈ-પ્રોફાઈલ મામલે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.
શું છે સગીરાના પરિવારનો આક્ષેપ?
હૈદરાબાદના પેટ બશીરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક ૧૭ વર્ષની સગીરાની માતાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે બંડી ભગીરથ છેલ્લા છ મહિનાથી તેમની પુત્રીને પજવી રહ્યો હતો. ભગીરથે લગ્નની લાલચ આપી સગીરા સાથે મિત્રતા કરી અને ત્યારબાદ મોઈનાબાદ સ્થિત એક ફાર્મહાઉસમાં તેની સાથે ગેરવર્તણૂક કરી જાતીય પજવણી કરી હતી. પોલીસે આ મામલે POCSO એક્ટની કલમ ૧૧ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
વળતો પ્રહાર: 'હની ટ્રેપ' અને ૫ કરોડની ખંડણી
આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે તે જ દિવસે કરીમનગર પોલીસ મથકે ભગીરથની ફરિયાદ પર સગીરા અને તેના માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો. ભગીરથનો દાવો છે કે આ પરિવાર તેને સોશિયલ મીડિયા અને મિત્રતાના બહાને 'હની ટ્રેપ'માં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભગીરથના જણાવ્યા મુજબ, જ્યારે તેણે લગ્નનો ઇનકાર કર્યો ત્યારે પરિવારે કેસ ન કરવાની શરતે ૫ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ભગીરથે આક્ષેપ કર્યો છે કે તેણે અગાઉ ડરના માર્યા ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા, પરંતુ હવે મોટી રકમ ન મળતા યુવતીએ આત્મહત્યાની ધમકી આપી ખોટો કેસ કર્યો છે.
પોલીસ માટે પેચીદો બન્યો મામલો
હાલમાં બંને પક્ષો તરફથી ગંભીર કાયદાકીય કલમો હેઠળ ફરિયાદો થઈ છે. એક તરફ સગીરાની સુરક્ષા અને POCSO હેઠળની કાર્યવાહી છે, તો બીજી તરફ હાઈ-પ્રોફાઈલ વ્યક્તિને બદનામ કરી ખંડણી ઉઘરાવવાનું કાવતરું હોવાનો દાવો છે. પોલીસ અત્યારે બંને પક્ષોના ડિજિટલ પુરાવાઓ, લોકેશન અને જૂના ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહી છે. કેન્દ્રીય મંત્રીના પરિવાર સાથે જોડાયેલો મામલો હોવાથી સમગ્ર દેશની નજર અત્યારે આ તપાસ પર ટકેલી છે.

(10:50 PM IST)