તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરી સમીક્ષા કરી
અમદાવાદમાં ૧૮.૪૨ ઇંચથી વધુ વરસાદને પગલે રાહત-બચાવ અને પાણીના ઝડપી નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા પ્રશાસનને કડક આદેશ : નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરાઈ

ગાંધીનગર: ગાંધીનગર લોકસભા ભાજપ મીડિયા વિભાગના પ્રભારી ડો. બિમલ જોષી દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, સમગ્ર રાજ્ય સહિત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વરસી રહેલા અતિભારે વરસાદ અને તેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ સંદર્ભે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની પુનઃ સમીક્ષા કરી છે. અમદાવાદ-ગાંધીનગર વિસ્તારમાં સર્જાયેલી સ્થિતિ પર કેન્દ્રીય ગૃહ મંત્રી સતત અને ચાંપતી નજર રાખી રહ્યા છે.
એકસાથે ૪ સિસ્ટમ અને શિયર ઝોન સક્રિય થતાં અમદાવાદમાં ૧૮.૪૨ ઇંચ વરસાદ:
હવામાન નિષ્ણાંતોના મંતવ્ય અનુસાર, એકસાથે ત્રણથી ચાર હવામાન સિસ્ટમ સક્રિય થવાને કારણે તેમજ સાયક્લોનિક સરક્યુલેશન અને શિયર ઝોન સિસ્ટમનો મિડલ પાર્ટ અમદાવાદ વિસ્તારમાં કેન્દ્રિત થવાના પરિણામે ધારણા કરતાં વધુ સરેરાશ ૧૮.૪૨ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અગાઉ પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ મુખ્યમંત્રી અને સ્થાનિક તંત્ર સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને નાગરિકોની સુવિધા માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા, જે સંદર્ભે આજે તેમણે પરિસ્થિતિની ફરીથી ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
પ્રશાસનને યુદ્ધના ધોરણે કામગીરી કરવા અને સેવાઓ ચાલુ રાખવા સૂચના:
અમિતભાઈ શાહે વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે વરસાદથી સામાન્ય જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તે માટે તમામ વિભાગો સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરે. નીચાણવાળા વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા, જરૂર જણાય ત્યાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા તથા પાણીના ઝડપી નિકાલ માટેની વ્યવસ્થાઓ કાર્યરત કરવા કડક આદેશ અપાયા છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓ, પીવાના પાણીનો પુરવઠો અને વીજળી સહિતની તમામ આવશ્યક સેવાઓ સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.
એ.એમ.સી. દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ અને સ્થાનિકોને અપીલ:
કેન્દ્રીય ગૃહ મંત્રીની તાકીદ બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા વોટર લોગિંગ સ્પોટ પર કેચપીટ, નિક અને મશીનહોલ દ્વારા પાણીનો નિકાલ કરવા, ફરિયાદોના ત્વરિત નિવારણ, ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈનાત કરવા અને ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવા સહિતના પગલાં યુદ્ધના ધોરણે લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના મુખ્ય કંટ્રોલ રૂમ ખાતેથી ડેશબોર્ડના માધ્યમથી રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સહિત સમગ્ર ગુજરાતના નાગરિકોને અપીલ કરી છે કે અતિભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે, સરકારી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે અને આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક સંબંધિત સરકારી તંત્રનો સંપર્ક સાધે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
