તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
'હિન્દી દિવસ' નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું મોટું નિવેદન: 'વંદે માતરમ' રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક; માતૃભાષા અને રાષ્ટ્રભાષાના સમન્વય પર આપ્યો વિશેષ ભાર
નવી મુંબઈમાં યોજાયેલા છઠ્ઠા અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં દેશભરના ૭,૦૦૦થી વધુ અગ્રણીઓ ઉપસ્થિત; 'ભારતી' એપ, ડિજિટલ શબ્દકોશ અને પૂણે ભાષાકીય ડેટા સેન્ટર જેવી આધુનિક પહેલો પર થઈ ગહન ચર્ચા

મુંબઈ : ૧૪ સપ્ટેમ્બર 'હિન્દી દિવસ' ની રાષ્ટ્રીય ઉજવણી નિમિત્તે નવી મુંબઈના વાશી ખાતે આયોજિત છઠ્ઠા 'અખિલ ભારતીય રાજભાષા સંમેલન' માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે હાજરી આપીને દેશની ભાષાકીય એકતા, વહીવટી પારદર્શિતા અને રાષ્ટ્રીય ચેતના અંગે અત્યંત મહત્વપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. બે દિવસીય આ ભવ્ય સંમેલનમાં દેશભરમાંથી અંદાજે ૭,૦૦૦ જેટલા સરકારી અધિકારીઓ, રાજભાષા કર્મચારીઓ, સાહિત્યકારો, શિક્ષણવિદો અને ભાષાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા.
પોતાના સંબોધનમાં અમિતભાઈ શાહે હિન્દીને દેશની ભાષાકીય એકતા અને સંવાદની સૌથી મજબૂત કડી ગણાવતા કહ્યું હતું કે, "સ્વાધિનતા સંગ્રામથી લઈને રાષ્ટ્ર નિર્માણ સુધી, હિન્દીએ સમગ્ર દેશને એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે." આ ઉપરાંત, તાજેતરમાં રાષ્ટ્રીય ગીતને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ વચ્ચે તેમણે 'વંદે માતરમ' ના ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ પર કડક ભાર મૂકતા તેને રાષ્ટ્રીય જાગૃતિ અને દેશભક્તિનો મુખ્ય આધારસ્તંભ ગણાવ્યો હતો.
ટેકનોલોજી અને માતૃભાષાઓ સાથે હિન્દીનો સમન્વય
આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સરકારી કામકાજમાં હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો જ નહીં, પરંતુ ભારતની તમામ માતૃભાષાઓ અને પ્રાંતિય ભાષાઓ સાથે તેનો સમન્વય સાધવાનો છે. કાર્યક્રમ દરમિયાન 'ભારતી' મોબાઈલ એપ, ડિજિટલ હિન્દી શબ્દકોશ અને પૂણે ખાતે આકાર પામી રહેલા ભાષાકીય ડેટા સેન્ટર (Linguistic Data Centre) જેવી આધુનિક ટેકનોલોજીકલ પહેલો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રયાસોથી ભારતીય ભાષાઓને આધુનિક વહીવટી તંત્ર અને AI ટેકનોલોજી સાથે વધુ સરળતાથી જોડી શકાશે.
ઉલ્લેખનીય છે કે, ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ ના રોજ બંધારણ સભાએ હિન્દીને સંઘની સત્તાવાર રાજભાષા તરીકે સ્વીકારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારની ભાષા નીતિ તમામ ભારતીય ભાષાઓને સમૃદ્ધ કરવાની છે, જેથી પ્રાદેશિક ભાષાઓ અને રાજભાષા વચ્ચે કોઈ વિરોધાભાસ ન રહે પરંતુ એકબીજાને પૂરક બનીને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
