તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ૬૨મો જન્મદિવસ: ગુજરાતના રાજકારણથી દેશના ગૃહમંત્રીપદ સુધીની રાજકીય સફર : જન્મદિવસની શુભેચ્છા વર્ષા

નવી દિલ્હી, તા. ૨૨ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ૨૨ ઓક્ટોબરે ૬૨ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી આંતરિક સુરક્ષા, નશામુક્ત ભારત અને રાષ્ટ્રીય એકતા માટેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે ૬૨મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. તેમનો જન્મ ૨૨ ઓક્ટોબર, ૧૯૬૪ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ અનિલચંદ્ર શાહ અને માતાનું નામ કુસુમબેન શાહ છે.
અમિત શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઈને જાહેર જીવનની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સંભાળતાં રાષ્ટ્રીય રાજકારણમાં આગળ વધ્યા હતા.
તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા છે અને રાજ્ય સરકારમાં ગૃહ વિભાગની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૪માં તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. વર્ષ ૨૦૧૯થી તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે કાર્યરત છે. તેઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સામાજિક માધ્યમ ઉપર શુભેચ્છા પાઠવતાં અમિત શાહની નશામુક્ત ભારતના નિર્માણ, દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા અને ભારતની એકતા તથા સાર્વભૌમત્વના રક્ષણ માટેની પ્રતિબદ્ધતાને પ્રેરણાદાયી ગણાવી છે.
તેમણે અમિતભાઈ શાહ સાથેની પોતાની તસવીર પણ પ્રસિદ્ધ કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
