<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ લદ્દાખની બે દિવસીય મુલાકાતે: બુદ્ધ પૂર્ણિમા પર પવિત્ર બુદ્ધ અવશેષોના દર્શન કરશે, સુરક્ષા અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે

ભગવાન બુદ્ધના પિપરહવા પવિત્ર અવશેષોનું 1 મેથી જાહેર પ્રદર્શન શરૂ, 15 દિવસ સુધી જીવેત્સલ, ઝાંસ્કાર અને ધર્મ સેન્ટર ખાતે દર્શનનો લાભ; ગૃહમંત્રીએ મુલાકાતને 'પરમ સૌભાગ્યનો અવસર' ગણાવી, ITBP અને સ્થાનિક પ્રશાસન સાથે બેઠક યોજશે

લેહ તા.૩૦ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુરુવાર, 30 એપ્રિલથી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની બે દિવસીય મુલાકાતે પહોંચી રહ્યા છે. તેમની આ મુલાકાતનો મુખ્ય હેતુ બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસરે 1 મે થી શરૂ થનારા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં હાજરી આપવાનો છે. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ મુલાકાતને 'પરમ સૌભાગ્યનો અવસર' ગણાવી છે. તેમણે લખ્યું કે આ પ્રદર્શનમાં વિશ્વભરના શ્રદ્ધાળુઓ ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન કરી પૂજન-અર્ચન કરશે.

 

ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષો બુધવાર, 29 એપ્રિલે વિશેષ વિમાન દ્વારા કુશોક બકુલા રિન્પોચે એરપોર્ટ, લેહ ખાતે લાવવામાં આવ્યા હતા. લદ્દાખના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના, વરિષ્ઠ અધિકારીઓ અને બૌદ્ધ ધર્મગુરુઓએ પૂર્ણ સન્માન સાથે અવશેષોનું સ્વાગત કર્યું હતું. લદ્દાખ પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને ભિક્ષુઓએ વિશેષ પ્રાર્થના કરી હતી. એરપોર્ટથી ભવ્ય શોભાયાત્રા દ્વારા અવશેષોને જીવેત્સલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 1 મે એટલે કે 2569મી બુદ્ધ પૂર્ણિમાના દિવસથી જાહેર જનતા માટે દર્શન ખુલ્લા મૂકાશે. હજારો શ્રદ્ધાળુઓ પરંપરાગત વસ્ત્રોમાં માર્ગ પર ઉભા રહીને આ પવિત્ર અવસરના સાક્ષી બન્યા હતા.

 

ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું કે આ અવશેષો હાલ સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને 1 મેથી જાહેર દર્શન માટે ખુલ્લા મુકાશે. આ અવશેષો 2 થી 10 મે સુધી જીવેત્સલ, 11 અને 12 મે એ ઝાંસ્કાર અને 13-14 મે એ લેહના ધર્મ સેન્ટર ખાતે દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ 15 મે એ તેમને પરત દિલ્હી લઈ જવાશે. નોંધનીય છે કે આ પવિત્ર અવશેષો પ્રથમ વખત ભારતમાં પોતાના સ્થાયી સ્થાનથી બહાર પ્રદર્શન માટે લાવવામાં આવ્યા છે. આ પહેલા આ અવશેષો થાઈલેન્ડ, મંગોલિયા, વિયેતનામ, રશિયા, સિંગાપોર, ભૂતાન, શ્રીલંકા અને મ્યાનમાર સહિત અનેક દેશોમાં પ્રદર્શિત થઈ ચૂક્યા છે.

 

ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમની મુલાકાત દરમિયાન લદ્દાખ પ્રશાસન અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેઓ સરહદ વ્યવસ્થાપન, સુરક્ષા તૈયારીઓ અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ લદ્દાખમાં ઝાંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ એમ પાંચ નવા જિલ્લા બનાવવાની મંજૂરી આપી છે, જેનાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ જિલ્લાની સંખ્યા બેથી વધીને સાત થઈ ગઈ છે. નવા નિયુક્ત જિલ્લા કમિશનરો અને પોલીસ અધિક્ષકોએ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. ગૃહમંત્રીની મુલાકાત અને પવિત્ર અવશેષોના આગમનને લદ્દાખ માટે આધ્યાત્મિક તેમજ વહીવટી દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સપ્તાહ માનવામાં આવી રહ્યું છે. ઉપરાજ્યપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ માટે લદ્દાખની પસંદગી કરવા બદલ આભાર માન્યો હતો અને કહ્યું કે આ પ્રદેશનો બૌદ્ધ ધર્મ સાથે ઊંડો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક નાતો છે.

(3:48 PM IST)