તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
NEET-UG ૨૦૨૬ વિરોધ પ્રદર્શનમાં ઘર્ષણ બાદ એક્શનમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી: જે.પી. નડ્ડાએ RML અને લેડી હાર્ડિંગ હોસ્પિટલ પહોંચી ઘાયલ આંદોલનકારીઓની મુલાકાત લીધી!
દિલ્હીમાં પેપર લીક કાંડ સામે વિરોધ પ્રદર્શન દરમિયાન ઘવાયેલા પ્રદર્શનકારીઓના ખબર-અંતર પૂછ્યા: હોસ્પિટલના સિનિયર તબીબો સાથે બેઠક યોજી શ્રેષ્ઠ સારવારની આપી સૂચના

નવી દિલ્હી, તા.૨૧: NEET-UG ૨૦૨૬ ના કથિત પરીક્ષા પેપર લીક વિવાદે સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી ધમાચકડી અને ઘર્ષણની ઘટનાઓ સામે આવી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ સમગ્ર મામલે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ પોતે મેદાનમાં ઉતરીને મોટો મોરચો સંભાળ્યો છે.
આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આજે નવી દિલ્હી સ્થિત ડૉ. રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલની ઇમરજન્સી મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં સારવાર અર્થે દાખલ કરાયેલા ઘાયલ પ્રદર્શનકારીઓની સ્થિતિની સમીક્ષા કરી હતી અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ સાથે જ તેમણે હોસ્પિટલના વરિષ્ઠ તબીબો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને દર્દીઓને ત્વરિત અને શ્રેષ્ઠ સારવાર આપવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
લેડી હાર્ડિંગ હોસ્પિટલની પણ લીધી મુલાકાત
RML હોસ્પિટલ બાદ કેન્દ્રીય મંત્રી લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (LHMC) ખાતે પણ પહોંચ્યા હતા. ત્યાં પણ તેમણે ગઈકાલના આંદોલન દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળીને સાંત્વના પાઠવી હતી અને તેમની તબીબી સંભાળ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં NEET પેપર લીક મામલે વિદ્યાર્થીઓ અને વિપક્ષી પક્ષો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની આ હોસ્પિટલ મુલાકાત અને ઘાયલો પ્રત્યેની સંવેદનશીલતા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
