News of Friday, 27th November 2026
તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોમાં 50 ટકાના વધારાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી : સુધારેલી બેઠક મર્યાદા 2051 સુધી યથાવત રહેશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સેવા તીર્થ ખાતે મળેલી બેઠકમાં 1971ની વસ્તી ગણતરી મુજબ રાજ્યોનો હિસ્સો જાળવી રાખવા અને દક્ષિણના રાજ્યોની ચિંતાઓ દૂર કરવા નિર્ણય : 30 નવેમ્બરથી શરૂ થતા સંસદના વિશેષ સત્રમાં 33 ટકા મહિલા અનામત અને સીમાંકન સંબંધિત સુધારા રજૂ થવાની શક્યતા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકોની આ સુધારેલી મર્યાદા વર્ષ 2051 સુધી અમલમાં રહેશે. આગામી 30 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્ર પહેલા સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંસદના આ વિશેષ સત્ર દરમિયાન સરકાર સીમાંકન સાથે જોડાયેલા મહિલા અનામત બિલમાં જરૂરી સુધારાઓ રજૂ કરે તેવી પૂરી શક્યતા છે. લોકસભાની બેઠકોમાં 50 ટકાના સૂચિત વધારાને સીમાંકનને કારણે ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોના પ્રતિનિધિત્વ પર પડનારી સંભવિત અસરો અંગેની ચિંતાઓને દૂર કરવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. અગાઉના અહેવાલોમાં પણ એવા સંકેત મળ્યા હતા કે સરકાર 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યોનો વર્તમાન આંતર-રાજ્ય હિસ્સો યથાવત રાખીને તમામ રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં 50 ટકા વધારો કરવાની ફોર્મ્યુલા પર વિચારણા કરી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે બપોરે 1 વાગ્યે સેવા તીર્થ ખાતે કેબિનેટની આ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં તમામ મંત્રીઓને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકાર અગાઉના કાયદામાં સુધારા કરવા પર વિચાર કરી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત પ્રદાન કરવાનો છે.
ગત એપ્રિલ મહિનામાં લોકસભામાં બંધારણ (131મો સુધારો) બિલ, 2026 પસાર થઈ શક્યું નહોતું અને તેની હાર બાદ હવે આ નવા સુધારાઓ લાવવામાં આવી રહ્યા છે. અગાઉના બિલમાં મહિલા અનામતના અમલીકરણને સીમાંકન સાથે જોડવામાં આવ્યું હતું અને લોકસભાની વર્તમાન 543 બેઠકોની સંખ્યા વધારીને મહત્તમ 850 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. હવે સંસદનું વિશેષ સત્ર 30 નવેમ્બરના રોજ લોકસભાની બેઠક સાથે શરૂ થશે, જ્યારે રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરથી મળશે. સરકારી કામકાજને આધીન આ વિશેષ સત્ર 3 ડિસેમ્બરના રોજ સમાપ્ત થવાની અપેક્ષા છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
