તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
કેન્દ્રીય બજેટ ૨૦૨૭-૨૮: પીએચડીસીસીઆઈ દ્વારા ઇક્વિટી પરનો એલટીસીજી ટેક્સ નાબૂદ કરવા અને એમએસએમઇ લોનના નિયમો હળવા કરવાની જોરદાર માંગ
મૂડી બજારોમાં રોકાણને પ્રોત્સાહન આપવા અને નાના ઉદ્યોગો માટે નાણાકીય સહાય સરળ બનાવવા ઉદ્યોગ સંગઠને નાણામંત્રી સમક્ષ રજૂ કરી મહત્વપૂર્ણ ભલામણો

નવી દિલ્હી : પીઅચેડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (PHDCCI) દ્વારા આગામી કેન્દ્રીય બજેટ ૨૦૨૭-૨૮ માટે નાણાં મંત્રાલય સમક્ષ સત્તાવાર ભલામણો રજૂ કરવામાં આવી છે, જેમાં ઇક્વિટી રોકાણો પરના લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સને નાબૂદ કરવા અને એમએસએમઇ ક્ષેત્ર માટે લોનના નિયમો હળવા કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉદ્યોગ સંગઠનના અગ્રણીઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની બેઠક દરમિયાન મૂડી બજારની સ્પર્ધાત્મકતા વધારવા માટે શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સને ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવા તેમજ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સના દરો ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
સંસ્થા દ્વારા સૂચવવામાં આવ્યું છે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના લાંબા કાર્યકારી મૂડી ચક્રને સંચાલિત કરવામાં સરળતા રહે તે માટે લોનને નોન-પરફોર્મિંગ એસેટ્સ તરીકે વર્ગીકૃત કરવાના સમયગાળાને ૯૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરવો જોઈએ.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા વધારવાની સાથે શિશુ અને કિશોર શ્રેણીમાં પણ સુધારા કરવાની માંગ કરવામાં આવી છે, જેથી નાના ઉદ્યોગકારોને ગીરો વગરનું ધિરાણ સરળતાથી મળી શકે અને તેમના વ્યવસાયોને વ્યાપક વેગ મળે.
દેશના જીડીપીમાં ૩૧ ટકા ફાળો આપતા અને કરોડો લોકોને રોજગારી પૂરી પાડતા આ ક્ષેત્રને મજબૂત કરવા માટે સરકાર દ્વારા સીધી ઇક્વિટી સહાય અને ક્રેડિટ ગેરંટી યોજનાઓના સઘન અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ બજેટ પૂર્વેની ભલામણોથી આગામી સમયમાં નાણાકીય સુધારાઓને વેગ મળશે અને ભારતીય ઉદ્યોગો તથા મૂડી બજારોને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી પ્રબળ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
