તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Saturday, 2nd May 2026
અંડરવર્લ્ડ ડોન દાઉદનો ખાસ માણસ સલીમ ડોલા તુર્કીથી ભારત પ્રત્યાર્પિત: ઈન્ટરપોલની મદદથી ઈસ્તંબુલ પોલીસનું ઓપરેશન
કુરિયર મંગાવવાની ભૂલ ભારે પડી, હવે NCB ૮ મે સુધી દાઉદના ડ્રગ નેટવર્ક અંગે પૂછપરછ કરશે: દોઢ વર્ષ સુધી ‘હમઝા’ બનીને અજ્ઞાતવાસમાં રહ્યો, પણ એક નાનકડી ભૂલે ભારત પહોંચાડી દીધો!

નવી દિલ્હી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના અત્યંત વિશ્વાસુ ગણાતા મોહમ્મદ સલીમ ડોલાને તુર્કીથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યો છે. મુંબઈના ડોંગરી વિસ્તારનો રહેવાસી ૫૯ વર્ષીય ડોલા લાંબા સમયથી ભારતની સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બન્યો હતો. ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ૮ મે સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની પાસેથી અંડરવર્લ્ડના ડ્રગ નેટવર્ક વિશે મહત્વની કડીઓ મળવાની આશા છે.
અજ્ઞાતવાસ અને સુરક્ષા એજન્સીઓની જાળ
સલીમ ડોલા ભારતમાંથી ફરાર થઈને ઈસ્તંબુલમાં છુપાયો હતો. તે લગભગ દોઢ વર્ષ સુધી સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ રહ્યો હતો અને આ સમય દરમિયાન તેણે કોઈની પણ સાથે વાતચીત કરી નહોતી. ભારતીય એજન્સીઓ માટે તેને શોધવો એ ઘાસના ઢગલામાંથી સોય શોધવા જેવું અઘરું કામ હતું. વર્ષ ૨૦૨૪ માં ભારતની વિનંતી પર તેની વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ નોટિસ પણ જારી કરવામાં આવી હતી.
એક કુરિયરે ખોલી નાખ્યો ભેદ
દોઢ વર્ષ સુધી સફળતાપૂર્વક છુપાયેલા રહેલા ડોલાએ તાજેતરમાં જ એક મોટી ભૂલ કરી હતી. તેણે પોતાના છુપાયેલા સ્થળના સરનામે કુરિયર દ્વારા સામાન મંગાવ્યો હતો. આ ટ્રાન્ઝેક્શન દ્વારા ભારતીય એજન્સીઓએ ઇન્ટરપોલની મદદથી તેનું લોકેશન શોધી કાઢ્યું અને ઈસ્તંબુલ પોલીસને જાણ કરી. ઈસ્તંબુલ પોલીસે દરોડા પાડીને તેની ધરપકડ કરી લીધી હતી.
નકલી ઓળખ અને પાસપોર્ટ
તપાસ દરમિયાન સલીમ ડોલા પાસેથી ત્રણ પાસપોર્ટ મળી આવ્યા છે, જેમાં બે ભારતીય અને એક બલ્ગેરિયાનો પાસપોર્ટ છે. તે તુર્કીમાં ‘હમઝા’ નામની નકલી ઓળખ સાથે બલ્ગેરિયન પાસપોર્ટ પર રહી રહ્યો હતો. હાલ એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે આ વિદેશી પાસપોર્ટ અસલી છે કે નકલી. ભારત આવતાની સાથે જ તેની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
