તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
"નો ડ્રગ્સ ઈન અમદાવાદ" અભિયાન હેઠળ કરોડોના ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કને છિન્ન-ભિન્ન કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ : નારોડાના હંસપુરા ક્રોસરોડ્સ પરથી રૂ. ૪.૫ કરોડની કિંમતના ૯૩૯.૮૧ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશના અસલમ, ઇમરાન અને શહઝાદ ઝડપાયા
સીપી અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ સીપી શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાજિયાણના માર્ગદર્શનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસ. જે. જાડેજા તથા સ્ટાફની મોટી સફળતા : કારમાંથી એમડી ડ્રગ્સ જપ્ત કરી એમપીના ઇમરાન પઠાણ ઉર્ફે લાલા નામના મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરાઈ : પોલિસ કમિશનરે પીઠ થાબડી

રાજકોટ : અમદાવાદ શહેરમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે હાથ ધરવામાં આવેલા "નો ડ્રગ્સ ઈન અમદાવાદ" અભિયાન હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (ડીસીબી) ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું આ અભિયાન, જોઇન્ટ પોલિસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શનમાં અને ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વ હેઠળ નવા વિક્રમો સ્થાપી રહ્યું છે. જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ પોલિસ ઇન્સ્પેક્ટર એસ. જે. જાડેજા અને તેમની ટીમે એક ગુપ્ત માહિતીના આધારે નારોડા સ્થિત હંસપુરા ક્રોસરોડ્સ પાસે દરોડો પાડીને આંતરરાજ્ય ડ્રગ્સ સ્મગલિંગના કારસાને છિન્ન-ભિન્ન કરી નાખ્યો છે.
પોલિસ ટીમે નારોડા હંસપુરા ક્રોસરોડ્સ નજીક શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક હોંડા સિટી કાર (નંબર: GJ-01-RF-1476) ને અટકાવીને વિધિવત્ તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન કોઈ પણ કાયદેસરની પરમિટ વગર બિનઅધિકૃત રીતે લઈ જવાતો ૯૩૯.૮૧ ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. ૪.૫ કરોડ થાય છે.
પોલિસે કારમાં સવાર ત્રણ આરોપીઓ - અસલમ (ઉં.વ. ૨૯), ઇમરાન (ઉં.વ. ૨૮) અને શહઝાદ (ઉં.વ. ૨૨) ની સ્થળ પર જ અટકાયત કરી લીધી હતી. આ ત્રણેય આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના રહેવાસી છે. ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનો જથ્થો રાખવા અને તેની હેરાફેરી કરવા બદલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેઓ મધ્યપ્રદેશના મંદસૌર સ્થિત ઇન્દિરા કોલોનીના રહેવાસી ઇમરાન પઠાણ ઉર્ફે લાલાની સૂચના મુજબ આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોંચાડવા માટે આવ્યા હતા. આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરનાર પીઆઈ એસ. જે. જાડેજા અને તેમની ટીમની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલિસ કમિશનરે રૂબરૂ પીઠ થાબડી બિરદાવ્યા હતા. હાલ પોલિસ દ્વારા મેફેડ્રોનના મૂળ સ્ત્રોત, અમદાવાદમાં આ જથ્થો કોને સપ્લાય કરવાનો હતો તે સ્થાનિક નેટવર્ક અને આ કાળા કારોબારમાં સંકળાયેલા અન્ય સાગરીતો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
