<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

બેકાબૂ ટ્રકે ૯ લોકોને કચડી નાખ્‍યા, એક જ પરિવારના ૭ લોકોના મોત

ઝારખંડના ખુન્‍ટી જિલ્‍લામાં ગમખ્‍વાર માર્ગ અકસ્‍માત સર્જાયો : દુર્ઘટનામાં ૧૦થી ૧૧ મહિનાના માસૂમ બાળક સહિત સાત લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ

ખુન્‍ટી : તા.૬: ઝારખંડના ખુન્‍ટી જિલ્‍લામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્‍માત સર્જાયો છે. કર્રા-તોરપા મુખ્‍ય માર્ગ પર પૂરઝડપે આવી રહેલો એક બેકાબૂ ટ્રક રસ્‍તા પર એકઠા થયેલા લોકો પર ફરી વળ્‍યો હતો. આ ગમખ્‍વાર દુર્ઘટનામાં ૧૦થી ૧૧ મહિનાના માસૂમ બાળક સહિત કુલ સાત લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જ્‍યારે એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. અકસ્‍માતની જાણ થતાં જ પોલીસ અને સ્‍થાનિક લોકો ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે ખુન્‍ટી જિલ્‍લાના કર્રા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં જોને-લુદરૂ વળાંક પાસે આ અકસ્‍માત સર્જાયો હતો. રસ્‍તા પરથી પસાર થઈ રહેલી એક સ્‍કૂટી સ્‍લીપ થઈને નજીકની ઝાડીમાં ઘૂસી ગઈ હતી. સ્‍કૂટીના અકસ્‍માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો મદદ માટે ઘરની બહાર દોડી આવ્‍યા હતા.

સ્‍કૂટી સવારની મદદ કરવા અને અકસ્‍માત જોવા માટે મોટી સંખ્‍યામાં લોકો રસ્‍તા પર એકઠા થયા હતા. આ દરમિયાન તોરપા તરફથી પૂરઝડપે આવી રહેલો ૧૦ ચક્કરનો ટ્રક અચાનક બેકાબૂ બન્‍યો હતો. ટ્રકચાલકે સ્‍ટિયરિગ પરથી કાબૂ ગુમાવતા રસ્‍તા પર ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. ટ્રક અનેક લોકોને કચડીને આગળ વધ્‍યો હતો અને ત્‍યારબાદ રસ્‍તા પાસે આવેલી પુલિયાની દીવાલ તોડીને ખાડામાં ખાબક્‍યો હતો.

આ અકસ્‍માતમાં એક જ પરિવારના સાત લોકોનાં મોત થયાં હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને ત્રણ બાળકો સામેલ છે. સૌથી દુઃખદ બાબત એ છે કે મૃતકોમાં આશરે ૧૦થી ૧૧ મહિનાનું માસૂમ બાળક પણ સામેલ છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે. અકસ્‍મતમાં પાંચ વર્ષની એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેને તાત્‍કાલિક સારવાર માટે ખુન્‍ટી સદર હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં કર્રા પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી. સ્‍થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્‍માત બાદ ટ્રકચાલક અને ક્‍લીનર સ્‍થળ પરથી ફરાર થયાના અહેવાલ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ટ્રક બેકાબૂ બનવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે

(9:51 AM IST)