<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

અનામત પર ઉમા ભારતીની ગર્જના: "કોઈ માઈનો લાલ અનામત છીનવી શકશે નહીં", સામાજિક ન્યાય માટે ત્રીજા સ્વાતંત્ર્ય સંગ્રામની હાકલ

ભોપાલમાં લોધી સમાજના શક્તિ પ્રદર્શનમાં પૂર્વ મુખ્યમંત્રીના તેવર; રાષ્ટ્રપતિ અને ગરીબના સંતાનો એક જ શાળામાં ભણે ત્યારે જ સમાનતા આવશે – શિક્ષણ વ્યવસ્થા પર કર્યા આકરા પ્રહાર

ભોપાલ: ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ જ્ઞાતિ આધારિત અનામતનું જોરદાર સમર્થન કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. ભોપાલના જંબુરી મેદાન ખાતે આયોજિત 'રાજા હૃદયશાહ લોધી શૌર્ય યાત્રા'ના સમાપન પ્રસંગે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જ્યાં સુધી સમાજમાં આર્થિક અને શૈક્ષણિક અસમાનતા રહેશે, ત્યાં સુધી અનામત અનિવાર્ય છે. તેમણે સામાજિક અસમાનતા દૂર કરવા માટે દેશમાં 'ત્રીજા સ્વાતંત્ર્ય સંગ્રામ'ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શિક્ષણ વ્યવસ્થામાં પ્રવર્તી રહેલા ભેદભાવ પર આકરા પ્રહાર કરતા ઉમા ભારતીએ કહ્યું કે, "જ્યાં સુધી દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્ય ન્યાયાધીશના સંતાનો ગરીબ પરિવારના બાળકોની સાથે સામાન્ય શાળામાં ન ભણે, ત્યાં સુધી કોઈ પણ અનામત હટાવી શકશે નહીં. કોઈ માઈનો લાલ અનામત છીનવી શકશે નહીં." ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલા શિવરાજ સિંહ ચૌહાણે પણ આ પ્રકારનું જ નિવેદન આપ્યું હતું, જેની હવે ઉમા ભારતીએ યાદ અપાવી છે.
લોધી સમાજનું શક્તિ પ્રદર્શન અને નવી જાહેરાતો
OBC લોધી સમુદાયના આ વિશાળ સંમેલનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે પણ હાજરી આપી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, 1842ના બળવાના નાયક રાજા હૃદયશાહ લોધીનું જીવનચરિત્ર શાળાઓમાં ભણાવવામાં આવશે અને નર્મદા કિનારે હીરાપુરમાં તેમની યાદમાં એક ભવ્ય 'લોક' (તીર્થસ્થળ) બનાવવામાં આવશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી પ્રહલાદ સિંહ પટેલ અને ધારાસભ્ય પ્રીતમ સિંહ લોધીએ પણ સંબોધન કર્યું હતું.
ભારતરત્ન માટે ઉઠી માંગ
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પ્રીતમ સિંહ લોધીએ પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કલ્યાણ સિંહ 'બાબુજી' અને ઉમા ભારતી માટે 'ભારતરત્ન' આપવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, જો હેમા માલિનીના ધર્મેન્દ્રને સન્માન મળી શકતું હોય, તો આપણા જન નેતાઓને પણ આ સર્વોચ્ચ સન્માન મળવું જોઈએ. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના રાજકારણમાં લોધી સમાજ અને OBC વોટબેંકનું મોટું પ્રભુત્વ છે, ત્યારે ઉમા ભારતીનું આ નિવેદન આગામી રાજકીય સમીકરણો માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

(9:30 PM IST)