તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
રશિયાના 'નવા હવાઈ હુમલા સિદ્ધાંત'ના જવાબમાં યુક્રેન રશિયન તેલ રિફાઇનરીઓ પર હુમલા તીવ્ર કરશે: જેલેન્સ્કી
નાગરિકોને લક્ષ્ય બનાવ્યા વિના રશિયાના યુદ્ધ ફંડિંગના મુખ્ય સ્ત્રોત એવા ઊર્જા ક્ષેત્રને નિશાન બનાવવાની યુક્રેનની રણનીતિ; ડોનબાસમાં ૧૪૦ ચોરસ કિમી વિસ્તાર પુનઃ કબજે કર્યાનો દાવો

કિવ:રશિયા દ્વારા નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરોને લક્ષ્ય બનાવીને શરૂ કરાયેલા નવા 'એરસ્ટ્રાઇક ડોક્ટ્રિન' (હવાઈ હુમલાના નવા સિદ્ધાંત)ના પ્રત્યુત્તરમાં યુક્રેન રશિયાની તેલ રિફાઇનરીઓ પર પોતાના હુમલા બેગણા કરશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ એક મુલાકાતમાં સ્પષ્ટ કર્યું છે કે રશિયાની આક્રમક નીતિનો જવાબ આપવા માટે યુક્રેન તેના આર્થિક અને ઊર્જા સ્ત્રોતો પર પ્રહાર કરશે, પરંતુ તે નાગરિક વિસ્તારોને લક્ષ્ય નહીં બનાવે.
યુક્રેનિયન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલા દસ્તાવેજોનો હવાલો આપતા જેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શિયાળા પહેલા યુક્રેનના વીજ મથકો, રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલો અને લોજિસ્ટિક્સ જેવા નાગરિક માળખા પર વ્યાપક હુમલા કરવાનો નવો આદેશ આપ્યો છે. આ હુમલાઓનો મુખ્ય હેતુ રાજધાની કિવ અને અન્ય મુખ્ય શહેરોમાંથી લોકોને હિજરત કરવા માટે મજબૂર કરવાનો છે.
"તેમના ઊર્જા ક્ષેત્રને જ નિશાન બનાવવું પડશે"
જેલેન્સ્કીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "તેઓ આપણા ઊર્જા ક્ષેત્ર પર હુમલા કરી રહ્યા છે, તેથી અમારે પણ તેમના ઊર્જા ક્ષેત્ર પર જ હુમલો કરવો પડશે. સૌથી પહેલા અમે રશિયન તેલ રિફાઇનરીઓને નિશાન બનાવીશું, કારણ કે આ રિફાઇનરીઓ જ રશિયાને આ યુદ્ધ લડવા માટે નાણાં પૂરા પાડે છે. જોકે, અમે રશિયાની જેમ કોઈ પણ નાગરિક વિસ્તારો પર હુમલો નહીં કરીએ."
નવી મિસાઇલ અને ડીપ-સ્ટ્રાઇક ડ્રોનનું ઉત્પાદન
પોતાના સંરક્ષણ દળોને મજબૂત કરવા માટે યુક્રેને સ્વદેશી શસ્ત્રોના ઉત્પાદનમાં પણ ઝડપ આણી છે. યુક્રેને તાજેતરમાં ૨૫૦ કિલોમીટરની રેન્જ ધરાવતી પોતાની બેલિસ્ટિક મિસાઇલ 'FP-7' નો પ્રથમ વાર યુદ્ધમાં ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત, મોસ્કો સુધી પહોંચવા સક્ષમ લાંબા અંતરની 'FP-9' મિસાઇલ આગામી શરદઋતુ (Autumn) સુધીમાં તૈયાર થઈ જશે તેવી આશા જેલેન્સ્કીએ વ્યક્ત કરી છે.
ડોનબાસમાં 'વિવાલ્ડી' કાઉન્ટર-ઓફેન્સિવ દ્વારા ૧૪૦ ચો. કિમી જમીન મુક્ત કરાવાઈ
યુક્રેનના રાષ્ટ્રપતિએ માહિતી આપી હતી કે પૂર્વ ડોનબાસ વિસ્તારમાં ચાલતા 'વિવાલ્ડી' કોડનેમ હેઠળના વળતા પ્રહાર (Counter-offensive)માં યુક્રેનિયન દળોએ આશરે ૧૪૦ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતો વિસ્તાર રશિયન કબજામાંથી મુક્ત કરાવ્યો છે. ફ્રન્ટલાઈન પર રશિયન સેનાને થઈ રહેલા ભારે નુકસાન અને પીછેહટથી ધ્યાન હટાવવા માટે પુતિન હવાઈ હુમલા વધારી રહ્યા હોવાનો દાવો યુક્રેને કર્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા અને નાણાકીય ભંડોળ
એક તરફ અમેરિકા જેવા દેશો વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવ ન વધે તે માટે તેલ રિફાઇનરીઓ પર હુમલા ન કરવા અપીલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કિવ પર રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલા સતત ચાલુ છે. તાજેતરમાં જ રશિયાએ નીપર નદી પરના બ્રિજ અને ઓડેસા બંદર પરના માલવાહક જહાજને પણ નિશાન બનાવ્યું હતું. યુક્રેને પોતાની લશ્કરી જરૂરિયાતો પહોંચી વળવા માટે યુરોપિયન યુનિયન (EU) લોન તેમજ પોતાના બજેટમાંથી સંરક્ષણ ફંડ સુનિશ્ચિત કર્યું છે.
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
