News of Saturday, 3rd October 2026
બ્રિટન સરકાર પર યુએઈનું ભારે દબાણ: માન્ચેસ્ટર સિટી સામેના કડક પગલાં રદ ન થાય તો બ્રિટીશ અર્થતંત્રમાંથી અબજો પાઉન્ડનું રોકાણ પાછું ખેંચવાની ચિંતાજનક ધમકી
પ્રીમિયર લીગના નાણાકીય નિયમોના ભંગ બદલ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર સિટીને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ બ્રિટન અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે રાજદ્વારી તથા આર્થિક તણાવ ચરમસીમાએ: ઓક્સફર્ડ-કેમ્બ્રિજ ટેકનોલોજી હબ અને ભવિષ્યના મોટો રોકાણો અટકાવી દેવાની શેખોની ચીમકીથી બ્રિટીશ રાજકારણમાં ભારે ખળભળાટ

લંડન/માન્ચેસ્ટર:વિશ્વની સૌથી લોકપ્રિય અને ધનિક ફૂટબોલ ક્લબોમાં સ્થાન ધરાવતી માન્ચેસ્ટર સિટી સામેના નાણાકીય ગેરરીતિઓના કેસ બાદ હવે બ્રિટન અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) વચ્ચે અભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય તથા રાજદ્વારી વિવાદ છેડાઈ ગયો છે. ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) દ્વારા માન્ચેસ્ટર સિટીને નાણાકીય નિયમોના ગંભીર ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા બાદ, યુએઈના અબજોપતિ માલિકો અને શેખોએ બ્રિટન સરકાર સામે આકરા આર્થિક પગલાં લેવાની ચીમકી આપી હોવાના અહેવાલોથી બ્રિટીશ રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સૂત્રો અને આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએઈના સત્તાધીશોએ બ્રિટિશ વડાપ્રધાન એન્ડી બર્નહામ અને દેશના ઉચ્ચ રાજકીય નેતૃત્વ પર દબાણ લાવવાનું શરૂ કર્યું છે. યુએઈ તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જો માન્ચેસ્ટર સિટી પર ભારે દંડ, પોઈન્ટ્સ કાપ કે લીગમાંથી હાંકી કાઢવા જેવા કડક આકરા પગલાં લેવામાં આવશે અથવા ચુકાદો યથાવત રાખવામાં આવશે, તો યુનાઇટેડ આરબ અમીરાત બ્રિટનમાં કરવા પાત્ર અબજો પાઉન્ડના ભાવિ રોકાણો રદ કરી દેશે અને તમામ ભંડોળ પાછું ખેંચી લેશે.
બ્રિટિશ સરકાર દ્વારા ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ વચ્ચે અમેરિકાના સિલિકોન વેલીની તર્જ પર એક વિશાળ 'હાઇ-ટેક મેગા ટેકનોલોજી હબ' બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે યુએઈના સોવરિન વેલ્થ ફંડ તરફથી અબજો પાઉન્ડના રોકાણની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જોકે, આ તાજેતરના વિવાદ બાદ શેખોએ આ પ્રોજેક્ટમાંથી પોતાની નાણાકીય સહાય અટકાવી દેવાનો સંકેત આપ્યો છે. આ સ્થિતિને કારણે બ્રિટિશ સરકાર માટે મોટી આર્થિક અને રાજકીય કટોકટી ઊભી થઈ છે.
ઉલ્લેખનીય છે કે માન્ચેસ્ટર સિટીના ચેરમેન ખાલદૂન અલ મુબારક અબુ ધાબીના મુખ્ય સોવરિન વેલ્થ ફંડ 'મુબાદલા'ના ચીફ એક્ઝિક્યુટિવ છે. તેમણે તાજેતરમાં જ બ્રિટનના બિઝનેસ સેક્રેટરી સાથે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી. જોકે બ્રિટિશ વેપાર મંત્રાલયે આ બેઠકમાં માન્ચેસ્ટર સિટીના કેસ અંગે ચર્ચા થઈ હોવાનો ઇનકાર કર્યો છે, પરંતુ રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ભારે ગરમાયો છે.
બીજી તરફ, વડાપ્રધાન એન્ડી બર્નહામની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. તેમણે શરૂઆતમાં એવું નિવેદન આપ્યું હતું કે જો યુએઈ માન્ચેસ્ટર સિટીને વેચી દેશે કે રોકાણ પાછું ખેંચશે તો તેનાથી મોટી ચિંતા ઊભી થશે, પરંતુ બાદમાં ચોતરફથી થયેલી ટીકાઓને કારણે ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટતા કરવી પડી હતી કે "દેશમાં કોઈ પણ ફૂટબોલ ક્લબ કે સંસ્થા કાયદા અને નિયમોથી ઉપર નથી." આ દરમિયાન અન્ય પ્રીમિયર લીગ ક્લબો માન્ચેસ્ટર સિટી સામે તાત્કાલિક અને આકરા પગલાં લેવા માટે ભારે દબાણ કરી રહી છે, જ્યારે માન્ચેસ્ટર સિટીએ આ ચુકાદા સામે અપીલ દાખલ કરી છે. રમતગમતના ઇતિહાસમાં આ વિવાદ હવે માત્ર ફૂટબોલ સુધી સીમિત ન રહેતા બે દેશો વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સંબંધો માટે મોટો પડકાર બની ગયો છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
