<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

UIDAI દ્વારા જૂની mAadhaar એપ બંધ કરવા જાહેરાત :યુઝર્સને એડવાન્સ અને સુરક્ષિત 'Aadhaar' એપ ડાઉનલોડ કરવા અપીલ

નવી એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ:નવી સિસ્ટમ નાગરિકોના ડેટાને વધુ સુરક્ષિત રાખવા તેમજ ડિજિટલ સેવાઓને વધુ ઝડપી બનાવવા માટે ડિઝાઇન કરાઈ

સ્માર્ટફોનમાં ડિજિટલ આધાર કાર્ડ રાખવા માટે mAadhaar એપનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા એક સત્તાવાર જાહેરાત કરીને જણાવવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં કાર્યરત mAadhaar એપ ટૂંક સમયમાં જ કાયમી ધોરણે બંધ   થવા જઈ રહી છે. તેના સ્થાને ઓથોરિટીએ યુઝર્સને વધુ એડવાન્સ અને સુરક્ષિત એવી નવી 'Aadhaar' એપ પર શિફ્ટ થવાની અપીલ કરી છે.

આ નવી એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. આ નવી સિસ્ટમ નાગરિકોના ડેટાને વધુ સુરક્ષિત રાખવા તેમજ ડિજિટલ સેવાઓને વધુ ઝડપી બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

 

UIDAIના જણાવ્યા અનુસાર, નવી Aadhaar એપ માત્ર જૂની એપનું નવું વર્ઝન નથી, પરંતુ તેને સ્માર્ટ, ફાસ્ટ અને સિક્યોર ડિજિટલ સફર પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે નવી ટેકનોલોજી સાથે બનાવવામાં આવી છે. નીચે મુજબના શાનદાર ફીચર્સ સામેલ છે:

આ એપ 13 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. દેશના તમામ નાગરિકો સરળતાથી સમજી શકે તે માટે એપ 13 પ્રાદેશિક ભાષાઓને સપોર્ટ કરે છે. આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનાથી QR કોડ આધારિત ઓફલાઇન આઇડેન્ટિટી વેરિફિકેશન થઈ શકે છે.

આ નવી એપમાં આ એક ક્રાંતિકારી ફીચર છે. તેની મદદથી યુઝર્સ પોતાનો મુખ્ય આઈડી નંબર જાહેર કર્યા વિના જ પોતાની ઓળખ સાબિત કરી શકશે. યુઝર્સ નક્કી કરી શકશે કે સામેવાળી વ્યક્તિ કે એજન્સી સાથે કેટલી વિગતો (જેમ કે નામ, ફોટો, સરનામું કે ઉંમર) શેર કરવી છે. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુઝર્સ પોતાના ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી અથવા આઈરિસના ડેટાને એપ દ્વારા જ લોક કરી શકશે, જેથી તેનો કોઈ દુરુપયોગ ન થઈ શકે.

યુઝર્સ પોતાના આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર અને એડ્રેસ સીધું જ એપથી અપડેટ કરી શકશે. આ ઉપરાંત, પ્રોફાઈલ સેક્શનમાં જઈને પરિવારના મહત્તમ 5 સભ્યોના કાર્ડ પણ એક જ એપમાં જોડી શકાશે.

UIDAI એ સ્પષ્ટ કર્યું નથી કે જૂની mAadhaar એપનો ડેટા નવી એપમાં ઓટોમેટીક ટ્રાન્સફર થશે કે નહીં. આથી, દરેક યુઝરે નવી એપ ડાઉનલોડ કર્યા પછી પોતાની પ્રોફાઇલ ફરીથી મેન્યુઅલી સેટ કરવી પડશે. વળી, જો મોબાઈલ ખોવાઈ જાય તો સેવાઓ મેળવવામાં થોડો સમય મુશ્કેલી પડી શકે છે.

 

  • એપ ડાઉનલોડ કરો: સૌ પ્રથમ એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર અને આઇફોન યુઝર્સ એપ સ્ટોર પર જઈને સત્તાવાર નવી 'Aadhaar' એપ ડાઉનલોડ કરે.
  • ભાષા પસંદ કરો: એપ ઓપન કર્યા બાદ તમારી અનુકૂળતા મુજબની ભાષા પસંદ કરો.
  • મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન: એપમાં લોગ-ઈન કરવા માટે તમારા આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર એન્ટર કરો. (જો અન્ય નંબર વાપરશો તો વધારાના ઓથેન્ટિકેશનની જરૂર પડશે).
  • આધાર નંબર અને OTP: તમારો 12-અંકનો આઈડી નંબર દાખલ કરો અને મોબાઈલ પર આવેલા ઓટીપી (OTP) દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ફેસ ઓથેન્ટિકેશન: હવે એપમાં આગળ વધવા માટે ચહેરાનું વેરિફિકેશન કરવાનું રહેશે. આ સમયે બેકગ્રાઉન્ડમાં પૂરતો પ્રકાશ હોવો જરૂરી છે અને જો તમે ચશ્મા પહેરતા હોવ તો તે હટાવી દેવા હિતાવહ છે.
  • 6 આંકડાનો પાસવર્ડ સેટ કરો: ભવિષ્યમાં એપને સુરક્ષિત રીતે ઓપન કરવા માટે 6 અંકોનો મજબૂત સિક્યોરિટી પાસવર્ડ (PIN) સેટ કરો.

(12:39 AM IST)