<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

UG NEET-2027ના મેના પ્રથમ રવિવારે પરીક્ષા :આશરે 23 લાખ વિદ્યાર્થીઓ બેસશે : ફોર્મ ભરતા પહેલા આધાર કાર્ડ અપડેટ જરૂરી

ફોર્મમાં ભરવામાં આવતું ઉમેદવારનું નામ 10મા ધોરણની માર્કશીટ મુજબ હોવું અનિવાર્ય: જૂનો ફોટો બદલીને લેટેસ્ટ ફોટો અપડેટ કરાવવો

મેડિકલ પ્રવેશ માટેની દેશની સૌથી મોટી પરીક્ષા UG NEET-2027ના મેના પ્રથમ રવિવારે યોજાશે, જેમાં આશરે 23 લાખ વિદ્યાર્થીઓ બેસશે. આ પરીક્ષાના ફોર્મ જાન્યુઆરીના અંતથી ભરાવાના શરૂ થશે. આ પરીક્ષા ફોર્મ ભરતા પહેલાં વિદ્યાર્થીઓને આધાર કાર્ડમાં છ અપડેટ કરવા જરૂરી છે  

રાજકોટની પ્રિમિયર સ્કૂલના ડાયરેક્ટર મનન જોશીએ ફોર્મ ભરવા માટે આધાર કાર્ડમાં જરૂરી સુધારા કરવા અંગે માર્ગદર્શન આપ્યું છે

એક્સપર્ટ મનન જોશીએ કહ્યું કે, ગત વર્ષે NEET પરીક્ષામાં આશરે 22 લાખથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, પરંતુ પેપરલીક થતાં ફરીથી યોજવી પડી હતી. આ કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ NTA દ્વારા નવી કમિટી/ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે, પરંતુ આગામી પરીક્ષામાં શું ફેરફાર થશે તે અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી.

NEET પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે, જેમાં ખાસ કરીને આધાર કાર્ડની વિગતોને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાવચેત રહેવાની જરૂર છે. NEET એપ્લિકેશન ફોર્મમાં ભરવામાં આવતું ઉમેદવારનું નામ 10મા ધોરણની માર્કશીટ મુજબ હોવું અનિવાર્ય છે અને તે જ નામ આધાર કાર્ડમાં પણ હોવું જોઈએ. દાખલા તરીકે, જો નામ 'મનનભાઈ જોશી' હોય અને આધાર કાર્ડમાં 'મનન કુમાર' નોંધાયેલું હોય, તો તે માન્ય રહેશે નહીં અને આધાર કાર્ડમાં 'મનનભાઈ' મુજબ અપડેટ કરાવવું પડશે.

  15 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓએ આધાર કાર્ડમાં બાળપણમાં લીધેલો જૂનો ફોટો બદલીને લેટેસ્ટ ફોટો અપડેટ કરાવવો જરૂરી છે. તેની સાથે થમ્બ સ્કેનિંગ તથા આઈરિસ સ્કેન સહિતના બાયોમેટ્રિક્સ પણ અપડેટ કરાવવા પડશે. સાથે જ, આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર કાર્યરત હોવો જોઈએ અને ફોર્મમાં પણ તેની સાચી વિગત દર્શાવેલી હોવી જોઈએ. વાલીઓ અને વિદ્યાર્થીઓને સૂચન કરાયું છે કે, પહેલા આ તમામ વિગતો અપડેટ કરાવે, ત્યારબાદ જ ફોર્મ ભરે અને 'myAadhaar' એપ દ્વારા અપડેટ થયું છે કે નહીં? તેની ખાતરી કરી લે.

 અન્ય દેશોની પરીક્ષા વ્યવસ્થા અંગે વાત કરતાં મનન જોશીએ જણાવ્યું કે, NEET જેટલી જ વિશાળ સંખ્યામાં લેવાતી ચીનની કોલેજ પ્રવેશ પરીક્ષા 'ગાઓકાઓ'માં કડક સુરક્ષા વ્યવસ્થા અપનાવવામાં આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રોનું પ્રિન્ટિંગ નેશનલ ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસના હાઈ સિક્યુરિટી ઝોનમાં થાય છે અને મિલિટરી સુપરવિઝન હેઠળ તેનું પરિવહન કરવામાં આવે છે. પ્રશ્નપત્ર તૈયાર કરનાર નિષ્ણાતો અને સંકળાયેલા લોકોને સરકારી દેખરેખ હેઠળ આઈસોલેશનમાં રાખવામાં આવે છે. પરીક્ષા દરમિયાન AI સહિત ગેરરીતિમાં મદદરૂપ થઈ શકે તેવા સાધનો પર કડક નિયંત્રણ રાખવામાં આવે છે અને થ્રી-લેયર સિક્યુરિટી લાગુ કરાય છે. વિશાળ સંખ્યામાં ઉમેદવારો ધરાવતી આ પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થામાંથી પ્રેરણા લઈને અમલીકરણ કરવામાં આવે તો પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવામાં મદદ મળી શકે તેમ છે.

(1:04 PM IST)