તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
યુસીસી (UCC) અને સીએએ પર ઓમ પ્રકાશ રાજભરના વિપક્ષ પર આકરા પ્રહાર: 'CAA લાગુ થયાને ત્રણ વર્ષ થયા, ઓવૈસી-અખિલેશ જણાવે કે કેટલા મુસ્લિમો દેશ છોડવા મજબૂર થયા?'
વકફ મિલકતોના કૌભાંડ અને એક્સપ્રેસવેના મુદ્દે અખિલેશ યાદવ પર સાધ્યું નિશાન: ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા એનડીએ શાસિત રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના એણાન વચ્ચે યુપીમાં રાજકીય ગરમાવો

લખનૌ : ઉત્તર પ્રદેશના રાજકારણમાં સમાન નાગરિક સંહિતા (UCC) ને લઈને ઘમાસાણ મચી ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તાજેતરમાં જ ૨૦૨૯ ની લોકસભા ચૂંટણી પહેલા દેશના એનડીએ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. આ દરમિયાન સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસ્પ) ના વડા અને યુપી સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે વિપક્ષી નેતાઓ અસદુદ્દીન ઓવૈસી, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પડકાર ફેંકતા પૂછ્યું છે કે નાગરિકતા સુધારા કાયદો (CAA) લાગુ થયાને ત્રણ વર્ષ વીતી ગયા છે, તો વિપક્ષી નેતાઓ સ્પષ્ટ કરે કે આ કાયદા હેઠળ અત્યાર સુધીમાં કેટલા મુસ્લિમોને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે?
મંત્રી રાજભરે વિપક્ષ પર પાયાવિહોણો વિરોધ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે વિપક્ષી દળો હંમેશાં જનતામાં ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. જેમ CAA નો વિરોધ મુસ્લિમ વિરોધી હોવાના ખોટા દાવા સાથે કરવામાં આવ્યો હતો, તેવી જ રીતે યુસીસીનો વિરોધ પણ તદ્દન પાયાવિહોણો છે. એટલું જ નહીં, વકફ મિલકતોના મુદ્દે એસપી, બીએસપી અને કોંગ્રેસ સરકારોને ઘેરતા તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે ભૂતકાળમાં કરોડો રૂપિયાની વકફ સંપત્તિઓને માત્ર હજારો રૂપિયામાં હડપ કરી લેવામાં આવી હતી અને તેના પર હોટલો કે મોલ બનાવી દેવાયા હતા. તેમણે દાવો કર્યો કે 'ઉમીદ' પોર્ટલ પર મિલકતોની ઓનલાઈન નોંધણી ફરજિયાત બનવાથી આવા ગેરકાયદેસર કાર્યો કરનારાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.
બીજી તરફ, સપા વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર યુસીસીને એક 'સાંપ્રદાયિક ષડયંત્ર' ગણાવતા ભાજપ સરકારને જૂના વચનો જેવા કે ખાતામાં ૧૫ લાખ જમા કરાવવા અને બે કરોડ નોકરીઓ આપવાના વાયદા યાદ અપાવ્યા હતા. આના જવાબમાં પલટવાર કરતા ઓમ પ્રકાશ રાજભરે આક્રમક અંદાજમાં કહ્યું કે અખિલેશ યાદવ સત્તા માટે તલપાપડ બની રહ્યા છે અને તેથી જ તેમને પીએમ મોદી તથા સીએમ યોગી દ્વારા થઈ રહેલા જબરદસ્ત વિકાસ કાર્યો દેખાતા નથી. રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઉઠાવનારા અખિલેશને આડેહાથ લેતા રાજભરે કહ્યું કે તેમણે પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન બનેલા રસ્તાઓની દુર્દશા પણ એકવાર જોઈ લેવી જોઈએ.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
