<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

મની લોન્ડરિંગ તપાસમાં UAE એન્ટી-મની લોન્ડરિંગ એજન્સીની મોટો કાર્યવાહી: 'દેસી બ્લિંગ' ફેમ બિઝનેસમેન સતીશ સનપાલ અને તેમની પત્નીની તમામ સંપત્તિઓ તથા ડિજિટલ વોલેટ ફ્રીઝ

નેટફ્લિક્સ પર પોતાની વૈભવી જીવનશૈલી બતાવનારા સતીશ સનપાલ, પત્ની તાબિંદા અને તેમની કેપિટલ હોલ્ડિંગ કંપનીઓના બેંક ખાતા, ક્રિપ્ટો વોલેટ તથા લોકર્સ તાત્કાલિક અસરથી ફ્રીઝ કરવા એફઆઈયુનો સખત આદેશ.

મુંબઈ — તા.03 યુનાઈટેડ અરબ અમીરાત (UAE) ની એન્ટી-મની લોન્ડરિંગ એજન્સી 'ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ' (FIU) એ મની લોન્ડરિંગ સંબંધિત એક મોટી તપાસ સંદર્ભે નેટફ્લિક્સની પ્રખ્યાત શો 'દેસી બ્લિંગ'ના સ્ટાર અને જાણીતા ઉદ્યોગપતિ સતીશ સનપાલ સામે કડક પગલાં ભર્યા છે. એજન્સીએ અમીરાતમાં આવેલી તમામ બેંકો, નાણાકીય સંસ્થાઓ અને વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ (VASPs) ને સતીશ સનપાલ અને તેમની પત્ની તાબિંદાના નાણાકીય ખાતાઓ પર તાત્કાલિક અસરથી રોક લગાવવા સત્તાવાર આદેશ જારી કર્યો છે.
એફઆઈયુ દ્વારા જારી કરાયેલા આ કડક આદેશ હેઠળ માત્ર સનપાલ દંપતીના વ્યક્તિગત બેંક ખાતા કે ડિજિટલ ક્રિપ્ટો વોલેટ જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલી વિવિધ કારોબારી સંસ્થાઓના ખાતાઓ પણ ફ્રીઝ કરી દેવાયા છે. જેમાં ANAX કેપિટલ એસેટ મેનેજમેન્ટ, ANAX કેપિટલ ફાઇનાન્શિયલ માર્કેટ્સ, ANAX હોલ્ડિંગ FZCO અને કિંમતી રત્નોનો વેપાર કરતી SSB બજાર જનરલ ટ્રેડિંગ LLC ના ખાતાઓનો સમાવેશ થાય છે. એજન્સીએ સંબંધિત સંસ્થાઓને કોઈપણ પ્રકારનું ફંડ ટ્રાન્સફર, નાણા ઉપાડ કે સેફ ડિપોઝિટ બોક્સ (લોકર્સ) ની એક્સેસ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી મહત્વની બાબત એ છે કે આ ફ્રીઝિંગ ઓર્ડરમાં 'વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ' (VASPs) નો સમાવેશ કરવામાં આવ્યો છે. યુએઈમાં પ્રોપર્ટી ડીલ અને અન્ય વ્યવહારો માટે ડિજિટલ ક્રિપ્ટોકરન્સીનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી ક્રિપ્ટો એક્સચેન્જ અને વોલેટ પ્રોવાઇડર્સને પણ સનપાલના ડિજિટલ એસેટ્સ અટકાવવા આદેશ અપાયો છે. નિયમો અનુસાર, આ ખાતાધારકોએ હવે તેમના ફંડના કાયદેસર સ્ત્રોત અને નાણાકીય વ્યવહારોની સત્તાવાર કાયદેસરતા સાબિત કરતા પુરાવા રજૂ કરવા પડશે.
મધ્યપ્રદેશના જબલપુરથી અભ્યાસ અધૂરો છોડીને દુબઈમાં વિશાળ સામ્રાજ્ય ઊભું કરનારા સતીશ સનપાલ ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં રહી ચૂક્યા છે, જોકે તેમણે હંમેશાં તમામ આક્ષેપોને નકાર્યા છે. રસપ્રદ વાત એ છે કે એફઆઈયુ નોટિસમાં ૩૯ વર્ષીય સતીશની રાષ્ટ્રીયતા દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્ર 'વનુઆતુ' દર્શાવવામાં આવી છે, જે પાસપોર્ટ મેળવવા માટે જાણીતું છે, જ્યારે તેમની પત્ની તાબિંદા બ્રિટિશ નાગરિકતા ધરાવે છે. કાયદા મુજબ આ કામચલાઉ ફ્રીઝ ૩૦ દિવસ માટે રહેશે, જેને લંબાવવા માટે યુએઈના એટર્ની જનરલની સ્પષ્ટ મંજૂરી જરૂરી બનશે.

(4:20 PM IST)