<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

બે સગી બહેનોએ ચાર બાળકો સાથે જીવન ટૂંકાવ્‍યું, ૬ના મોતથી અરેરાટી

પતિના મૃત્‍યુ બાદ એક ગર્ભવતી મહિલાએ દિકરા સાથે જીવન ટૂંકાવ્‍યું, ત્‍યાર બાદ મૃતકની મોટી બહેને પણ ૩ બાળકો સાથે અંતિમ પગલું ભર્યુ

શિવપુરી તા.૨૯: બૈરાડ પોલીસ સ્‍ટેશન અને કોલારસ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર શિવપુરીને હચમચાવી દીધું છે. અહીંના ગુંગરગાંવ અને સેસઈપુરામાં એક જ દિવસે બે સગી બહેનોએ માનસિક હતાશા અને કૌટુંબિક ક્‍લેશના કારણે પોતાના માસૂમ બાળકો સાથે ખેતરમાં અંતિમ પગલું ભર્યુ. આ કરૂણ અને હૃદયને હચમચાવી નાખતી ઘટનામાં બે બહેનો અને ચાર બાળકો સહિત કૂલ ૬ લોકોનાં મૃત્‍યું થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્‍તારમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, પહેલી ઘટના બુધવારે બપોરે બની હતી. અહીં બૈરાડ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ગુંગરગાંવમાં રહેતી ૩૫ વર્ષીય અંજલીએ તેના ૬ વર્ષના દિકરા પ્રશાંત સાથે અંતિમ પગલું ભર્યું. અંજલી આઠ મહિનાની ગર્ભવતી હતી. તેના પતિ ધર્મવીર રાવતનું લગભગ એક મહિના પહેલા એક માર્ગ અકસ્‍માતમાં મૃત્‍યુ થયું હતું. ત્‍યારથી તે ખૂબ જ માનસિક તણાવ અને આઘાતમાં હતી.

ઘટના સમયે, અંજાલિ તેની ત્રણ દીકરીઓને પોતાની સાથે ઘટનાસ્‍થળે લઈ ગઈ હતી. જોકે, એક દીકરીએ પોતાની સૂઝબૂઝ વાપરીને પોતાનો હાથ છોડાવી લીધો હતો અને ત્‍યાંથી ભાગીને અન્‍ય પરિવારજનોને આ ઘટના વિશે જાણકારી આપી હતી, જેનાથી અન્‍ય બાળકોનો જીવ બચી ગયો હતો. આ ઘટનામાં મા, દિકરા અને ગર્ભમાં ઉછરી રહેલા શિશુનું પણ મૃત્‍યું થયું છે. ગર્ભવતી મહિલાના કૂલ ૪ બાળકો હતો, જેમાંથી ૩ બચવામાં સફળ રહ્યા.

પહેલી ઘટનાના આઘાતમાંથી લોકો હજુ બહાર આવ્‍યા ન હતા ત્‍યારે બુધવારે સાંજે બીજા એક ભયાનક સમાચાર સામે આવ્‍યા. કોલારસ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સેસાઈ ગામની રહેવાસી ૪૦ વર્ષીય સીતા રાવત અને અંજલીની મોટી બહેને પણ તેના ત્રણ બાળકો રાખી (૧૪), પ્રિયંકા (૧૧) અને ૬ વર્ષના પુત્ર શ્‍લોક સાથે ખોંકર ગામમાં તેમના ખેતરમાં જીવન ટૂંકાવી લીધું.

જ્‍યારે સીતા અને તેના બાળકો સાંજે ૬ વાગ્‍યા સુધી ઘરે પાછા ન ફર્યા, ત્‍યારે પરિવારે તેમને શોધવાનું શરૂ કર્યું. જ્‍યારે તેઓ ખેતરમાં પહોંચ્‍યા, ત્‍યારે તેમને તેમના ચપ્‍પલ ત્‍યાં પડેલા મળ્‍યા. થોડે દૂર ત્રણેયના મૃતદેહ મળી આવ્‍યા. મૃતદેહ જોઈને પરિવાર ગભરાઈ ગયો. ઘટનાની માહિતી મળતાં જ સ્‍થાનિક પોલીસ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગઈ અને ગ્રામજનોના સંયુક્‍ત પ્રયાસોથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્‍યા. એક જ પરિવારની બે બહેનો અને તેમના બાળકોની અંતિમયાત્રા નીકળા આખું ગામ હિબકે ચડ્‍યું હતું, આખા ગામમાં માતમ પ્રસરી ગયો હતો, ગામ લોકોના રાંધ્‍યા ધાન પણ પડી રહ્યાં હતાં.

ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને, સ્‍થાનિક વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા. પોલીસે બંને કેસમાં તપાસ નોંધી છે અને તમામ મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આત્‍મહત્‍યાનું સાચું કારણ જાણવા માટે બંને કેસના દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ દુઃખદ દુર્ઘટનાએ સમાજના દરેક વર્ગને આઘાત પહોંચાડ્‍યો છે.

બાયરાડ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ રવિ ચૌહાણે જણાવ્‍યું હતું કે, ૅઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને મહિલાને કૂવામાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા અને તેના બાળકને બચાવી શકાયા ન હતા. હવે અમે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ અને આત્‍મહત્‍યાનું સાચું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

(3:17 PM IST)