News of Tuesday, 27th October 2026
ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે વર્ગ-૧ના બે સિનિયર અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિનો આદેશ
ગાંધીનગરના જોઈન્ટ કમિશનર ડી.આઈ.ભગલાણી અને સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જે.એમ.તુવર સામે "ઓપરેશન ઞંઞાજળ"હેઠળ સરકારની કડક કાર્યવાહી:બંને સામે ભ્રષ્ટાચારના આક્ષેપો અને ખાતાકીય તપાસની કાર્યવાહી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૭ ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર,વહીવટી ગેરરીતિઓ અને સરકારી ફરજમાં બેદરકારી સામે હાથ ધરાયેલા ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત આજે વધુ બે ઉચ્ચ અધિકારીઓ સામે આકરાં પગલાં લેવામાં આવ્યાં છે જેમા રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સેવા (જીએએસ)ના સિનિયર સ્કેલના વર્ગ-૧ના બે અધિકારીઓ ડી.આઈ.ભગલાણી અને જે.એમ.તુવરને સમય પહેલાં ફરજિયાત નિવૃત્ત કરવાના આદેશો જારી કર્યા છે બંને અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો અને ખાતાકીય તપાસની કાર્યવાહીના અહેવાલો વચ્ચે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિવાસી શૈક્ષણિક સંસ્થાઓની સોસાયટીમાં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા ડી.આઈ. ભગલાણી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભગલાણી જીએએસના સિનિયર સ્કેલના અધિકારી હતા. તેમના સેવાકીય રેકોર્ડ અને કામગીરીની સમીક્ષા બાદ સરકાર દ્વારા તેમને ફરજિયાત નિવૃત્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આ ઉપરાંત ગાંધીનગર સ્થિત ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા જે.એમ. તુવર સામે પણ સમાન કાર્યવાહી કરવામાં આવી છે. તુવર પણ જીએએસના સિનિયર સ્કેલના વર્ગ-૧ અધિકારી હતા. બંને અધિકારીઓની નિયમિત નિવૃત્તિની મુદત પૂરી થાય તે પહેલાં જ તેમની સેવાઓ સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્યના વહીવટી સૂત્રોને ટાંકીને પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ બંને અધિકારીઓ સામે ભ્રષ્ટાચારને લગતા આક્ષેપો થયા હતા અને આ બાબતે ખાતાકીય તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા જોકે આક્ષેપોની ચોક્કસ વિગતો, તપાસમાં થયેલાં તારણો કે કોઈ નાણાકીય ગેરરીતિની રકમ અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ થઈ નથી.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે વિવિધ સરકારી વિભાગોમાં લાંબા સમયથી પડતર ખાતાકીય તપાસ અને શિસ્તભંગની કાર્યવાહી અંગે અનુસરણ વધુ સઘન બનાવ્યું હોવાનું પણ જાણવા મળે છે. અધિકારીઓ સામે ચાલતા કેસોનો સમયસર નિકાલ થાય અને સેવાકીય કામગીરી અંગે જવાબદારી સુનિશ્ચિત બને તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.
આ પહેલાં ચાલુ ઓક્ટોબર મહિનામાં જ રાજ્યના બે આઈએએસ અધિકારીઓ કંકિપાટી રાજેશ અને ગૌરવ દહિયાને પણ ફરજિયાત નિવૃત્તિ આપવાના આદેશો થયા હતા. રાજેશ સામે ભ્રષ્ટાચાર તથા નાણાંની હેરફેર સંબંધિત તપાસો ચાલી રહી હોવાના અહેવાલો છે, જ્યારે ગૌરવ દહિયા અગાઉ વ્યક્તિગત આચરણને લગતા આક્ષેપોના કારણે સસ્પેન્ડ થયા હતા અને બાદમાં ફરી ફરજ પર લેવામાં આવ્યા હતા. બંનેના સેવાકીય રેકોર્ડની સમીક્ષા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લેવાયો હતો.
આમ, એક જ મહિનામાં ઉચ્ચ વહીવટી સેવાના ચાર અધિકારીઓ સામે ફરજિયાત નિવૃત્તિની કાર્યવાહી થયાના અહેવાલો સામે આવતાં રાજ્યના વહીવટી વર્તુળોમાં આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.
ઓપરેશન ગંગાજળ’ હેઠળ અગાઉ પણ અનેક અધિકારીઓ સામે કાર્યવાહી
ગુજરાત સરકારે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર, ફરજમાં નિષ્કાળજી, નબળી કામગીરી અને વહીવટી અનિયમિતતાઓ સામે ‘ઓપરેશન ગંગાજળ’ નામે કાર્યવાહી શરૂ કરી હતી. જાન્યુઆરી ૨૦૨૫માં પ્રકાશિત અહેવાલ મુજબ તે સમય સુધીમાં ૩૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને સમય પહેલાં નિવૃત્ત કરાયા હતા. આરોગ્ય વિભાગના ચાર કર્મચારીઓ સામે પણ જુદા જુદા વહીવટી કારણોસર કાર્યવાહી કરવામાં આવી હતી.
સરકારી નિયમો હેઠળ જાહેર હિતમાં નિર્ધારિત પ્રક્રિયા અનુસરીને અધિકારીઓના સેવાકીય રેકોર્ડ, કામગીરી અને અન્ય સંબંધિત વિગતોની સમીક્ષા કરીને સમય પહેલાં ફરજિયાત નિવૃત્તિ આપવાની જોગવાઈ છે. આ પ્રકારની કાર્યવાહી સામાન્ય વયનિવૃત્તિ કરતાં અલગ છે.
બંને અધિકારીઓ સામેના ચોક્કસ આક્ષેપો અંગે હજુ વિગતો જાહેર નહીં
ડી.આઈ. ભગલાણી અને જે.એમ. તુવર સામે કયા ચોક્કસ બનાવો કે ફરિયાદોના આધારે કાર્યવાહી કરવામાં આવી, ખાતાકીય તપાસ કયા તબક્કે પહોંચી હતી અને બંનેના નિવૃત્તિ આદેશોમાં કયા કારણો દર્શાવવામાં આવ્યા છે તે અંગેની સંપૂર્ણ વિગતો હજુ જાહેરમાં ઉપલબ્ધ નથી. જોકે રાજ્ય સરકારની આ કાર્યવાહીની પુષ્ટિ કરતાં અહેવાલો પ્રકાશિત થયા છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
