તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
વેનેઝુએલામાં ૭.૨ અને ૭.૫ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપથી ભારે તારાજી : ૧૬૪ લોકોના કમકમાટીભર્યા મોત
રાજધાની કારાકાસ સહિત લા ગુઆરા પ્રાંતમાં બહુમાળી ઇમારતો ધરાશાયી થતાં ૧૧,૦૦૦થી વધુ લોકો ગુમ : કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દેશમાં કટોકટી જાહેર કરી 'ડિઝાસ્ટર ઝોન' ઘોષિત કર્યા

કારાકાસ:દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. દેશમાં બેક-ટુ-બેક ૭.૨ અને ૭.૫ની પ્રચંડ તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે સમગ્ર દેશમાં ભયાનક વિનાશ સર્જાયો છે. આ વિનાશક કુદરતી હોનારતમાં સત્તાવાર રીતે અત્યાર સુધીમાં એટલે કે રાત્રે ૮.૫૦ વાગ્યા સુધીના અહેવાલો મુજબ ૧૬૪ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૯૭૧ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ૧૧,૦૦૦થી વધુ લોકો હજુ પણ લાપતા હોવાના અહેવાલ મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ હોવાથી આગામી સમયમાં મૃત્યુઆંક હજુ ઘણો વધવાની આશંકા સેવાઈ રહી છે.
આ પ્રચંડ ભૂકંપના કારણે વેનેઝુએલાની રાજધાની કારાકાસ અને દરિયાકાંઠાના લા ગુઆરા પ્રાંતમાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારોમાં આવેલી અનેક બહુમાળી ઈમારતો અને મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે દેશમાં તાત્કાલિક અસરથી કટોકટી જાહેર કરી દીધી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ દ્વારા ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયેલા વિસ્તારોને 'ડિઝાસ્ટર ઝોન' (આપત્તિજનક વિસ્તાર) ઘોષિત કરવામાં આવ્યા છે.
હાલમાં ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે સેંકડો લોકો દટાયા હોવાની આશંકાને પગલે તેમને જીવતા બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે મેગા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક બચાવ ટુકડીઓ દિવસ-રાત રાહત કામગીરીમાં જોતરાયેલી છે. આ ભયાનક આપત્તિના સમયે વેનેઝુએલાની વહારે આવીને અન્ય દેશોએ પણ માનવતા દાખવી છે અને રાહત તેમજ બચાવ કામગીરીમાં મદદરૂપ થવા માટે પોતાની ઇમરજન્સી ટીમો અને જરૂરી મેડિકલ સહાયની સામગ્રી મોકલવાની શરૂઆત કરી દીધી છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
