<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

નાર્કોટિક્સ બ્યુરોના બે અધિકારીઓ લાંચના કેસમાં ઝડપાયા: ડ્રગ્સના કેસમાં ફસાવી દસ વર્ષ જેલમાં મોકલી દેવાની ધમકી આપી મેડિકલ સ્ટોરના માલિક પાસે લાખો રૂપિયાની લાંચ માગી : સીબીઆઈએ નાર્કોટિક્સ બ્યુરોના બે સબ ઇન્સ્પેક્ટરોને ઝડપી પાડ્યા

શરૂઆતમાં ૫૦ લાખની માગણી, પછી ૨૫ લાખમાં સોદો અને ૧૨ લાખનો પ્રથમ હપ્તો નક્કી થયાનો આરોપ : દિલ્હી ખાતે સીબીઆઈનું છટકું

નવી દિલ્હી  : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના બે સબ ઇન્સ્પેક્ટરો અજિતસિંહ મીણા અને સુમીત કુમારની લાંચના કેસમાં ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં મેડિકલ સ્ટોર ચલાવતા વેપારીને નશીલા પદાર્થોના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા ૨૫ લાખની લાંચ માગવામાં આવી હોવાનો આરોપ છે.

 

ફરિયાદ મુજબ વેપારીને જુલાઈમાં નાર્કોટિક્સ કાયદા હેઠળ દવાના ખરીદ-વેચાણ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાની નોટિસ આપવામાં આવી હતી. વેપારીએ જરૂરી જવાબ આપ્યો હોવા છતાં અધિકારી અજિતસિંહ મીણાએ ફરી તપાસના નામે દબાણ કર્યું હતું.

 

સીબીઆઈની એફઆઈઆર પ્રમાણે શરૂઆતમાં રૂપિયા ૫૦ લાખની ગેરકાયદે માગણી કરવામાં આવી હતી. બાદમાં રૂપિયા ૨૫ લાખ અને તેમાંથી પ્રથમ હપ્તા તરીકે રૂપિયા ૧૨ લાખ સ્વીકારવાની વાત નક્કી થઈ હતી. ફરિયાદ મળ્યા બાદ સીબીઆઈએ છટકું ગોઠવી દિલ્હીના આર.કે. પુરમ વિસ્તારમાં બંને અધિકારીઓને ઝડપી લીધા હતા.

 

તપાસ એજન્સીએ લાંચની રકમનો પત્તો મેળવવા તથા અન્ય અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે જાણવા કાર્યવાહી હાથ ધરી છે. સીબીઆઈએ અદાલતમાં પણ બંને આરોપીઓની પૂછપરછ માટે કસ્ટડી માગી હતી. 

(11:19 PM IST)