તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
બોલિવૂડમાં સ્ટાર બનવાના સપના સાથે ઘર છોડી મુંબઈ પહોંચેલા બે સગીરો પર પોલીસનું વહાલ: આરે પોલીસની સતર્કતાથી બંને બાળકો હેમખેમ પરિવારને સોંપાયા
આસામ અને મધ્યપ્રદેશના બે અલગ-અલગ બાળકો ફિલ્મ સિટીમાં કામ મેળવવાના અરમાન સાથે મુંબઈ દોડી આવ્યા હતા, પરંતુ માયાનગરીની વાસ્તવિકતાનો સામનો થતાં પોલીસ મદદરૂપ બની

મુંબઈ: બોલિવૂડની ઝાકઝમાળ અને ફિલ્મી પરદા પર ચમકવાની મહત્વાકાંક્ષાએ બે માસૂમ બાળકોને પોતાના ઘરથી હજારો કિલોમીટર દૂર મુંબઈ સુધી ખેંચી લાવ્યા હતા. જોકે, નસીબજોગે આ બાળકો કોઈ મોટી મુસીબતમાં ફસાય તે પહેલાં જ મુંબઈની આરે પોલીસની બાજ નજર હેઠળ આવી ગયા હતા. બંને સગીરોને સુરક્ષિત રીતે તેમના પરિવાર સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા, આ કિસ્સાનો સુખદ અંત આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આ ઘટનામાં સામેલ બે સગીરો એકબીજાથી સંપૂર્ણપણે અજાણ હતા અને બંને અલગ-અલગ રાજ્યોમાંથી અભિનયની દુનિયામાં નસીબ અજમાવવા અહીં પહોંચ્યા હતા. પ્રથમ કિસ્સામાં આસામના રાથી લોખોજન ગામની ૧૫ વર્ષીય સગીરાનો સમાવેશ થાય છે. ફિલ્મોમાં કામ કરવાની તીવ્ર ઈચ્છા સાથે આ બાળકી કોઈને જાણ કર્યા વિના ગુવાહાટીથી એક્સપ્રેસ ટ્રેન પકડી મુંબઈના સીએસએમટી (CSMT) સ્ટેશન પર ઉતરી હતી. મુંબઈ પહોંચ્યા બાદ તેણે મોબાઈલની મદદથી ફિલ્મ સિટીનું સરનામું શોધ્યું અને ત્યાં પહોંચવાનો પ્રયત્ન કર્યો. જોકે, ફિલ્મ સિટીમાં કામ ન મળતા તે હતાશ થઈને આરે પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં પોલીસે તેની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. પોલીસે ત્વરિત પગલાં ભરીને તેના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો, જેઓ તે સમયે પોતાની દીકરીની શોધખોળમાં હતા.
બીજી તરફ, મધ્યપ્રદેશના છિંદવાડાનો ૧૬ વર્ષીય કિશોર પણ કંઈક આવા જ સપના લઈને નીકળ્યો હતો. તેને ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરવાનું ઘેલું લાગ્યું હતું. તે શાળાએ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને એકલો જ ટ્રેન પકડીને મુંબઈ પહોંચ્યો હતો. ગોરેગાંવ વિસ્તારમાં આવેલી ફિલ્મ સિટીની આસપાસ તે એકલો ભટકતો હોવાની માહિતી પોલીસને મળતા, પેટ્રોલિંગ કરતી ટીમે તેને તાત્કાલિક પોતાની સુરક્ષિત કસ્ટડીમાં લઈ લીધો હતો.
બંને કિસ્સાઓમાં પોલીસે બાળકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને આ અંગે જાણ કરી હતી. પોતાના ખોવાયેલા બાળકોના જીવતા-જાગતા અને સુરક્ષિત હોવાના સમાચાર મળતા જ પરિવારજનોમાં હાશકારો જોવા મળ્યો હતો. હાલ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકોને તેમના વાલીઓને સુપરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુંબઈ પોલીસની આ સંવેદનશીલતા અને સમયસૂચકતાને કારણે બે પરિવારોના આંગણે ફરીથી ખુશીઓ પરત ફરી છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
