News of Saturday, 11th July 2026
મ્યાનમારમાં ધરતીકંપના બે મોટા આંચકાથી ફફડાટ: સતત બે દિવસ સુધી ધરા ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીની વિગતો મુજબ 4.5 અને 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા સતર્કતા રાખવા સૂચના

નેપિડો: મ્યાનમારમાં ફરી એકવાર ધરતીકંપના આંચકા અનુભવાતા સ્થાનિક નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. છેલ્લા બે દિવસમાં મ્યાનમારની ધરતી બે વાર ધ્રૂજી ઉઠી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, શુક્રવારે સાંજે અને ત્યારબાદ શનિવારે વહેલી સવારે એમ સતત બે આંચકા નોંધાતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શુક્રવારે સાંજે લગભગ 18:59 કલાકે (IST) 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ જમીનથી 100 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ આંચકાની અસર પૂરી થાય તે પહેલા જ, શનિવારે વહેલી સવારે 12:20 કલાકે (IST) ફરીથી ધરતી ધ્રૂજી હતી. આ બીજા આંચકાની તીવ્રતા 4.1 નોંધાઈ હતી, જેનું કેન્દ્રબિંદુ જમીનથી 90 કિલોમીટરની ઊંડાઈએ હતું.
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે મ્યાનમાર ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ક્ષેત્રમાં આવેલું છે. આ દેશ ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટો - ભારતીય, યુરેશિયન, સુંડા અને બર્મા પ્લેટના સંગમ સ્થાન પર સ્થિત છે, જેના કારણે અહીં વારંવાર ભૂકંપની પ્રવૃત્તિઓ થતી રહે છે. દેશમાંથી પસાર થતી આશરે 1,400 કિલોમીટર લાંબી ‘સગેઈંગ ફોલ્ટ’ લાઇન સૌથી વધુ જોખમી માનવામાં આવે છે. આ ફોલ્ટ લાઇન સગેઈંગ, માંડલે, બાગો અને યાંગોન જેવા ગીચ વસ્તી ધરાવતા શહેરો નજીકથી પસાર થાય છે, જ્યાં વસતા લાખો લોકો માટે ધરતીકંપનું જોખમ હંમેશા રહેલું છે.
હાલના આંચકાઓને પગલે કોઈ જાનહાનિ કે મોટા પાયે નુકસાનના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ સતત બે દિવસ આવેલા આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થાનો પર રહેવાની સલાહ આપવામાં આવી છે. મ્યાનમારનો લાંબો દરિયાકિનારો હોવાથી અને ભૂસ્તરીય અસ્થિરતાને લીધે નિષ્ણાતો દ્વારા આ વિસ્તારમાં ભૂકંપ સામે પૂર્વ તૈયારીઓ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
