<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

રાજ્‍યસભાના અબજોપતિ ૩૧ સાંસદમાં ગુજરાતના બે

MP બાબુ દેસાઈ બે કેસમાં આરોપીઃ રાજ્‍યના રાજ્‍યસભાના સાંસદોની મિલક્‍તો વધી ગઈ : બાબુભાઈ દેસાઈ પાસે રૂા.૩૪૭.૬૦ કરોડની જ્‍યારે ગોવિંદ ધોળકિયા પાસે રૂા.૨૭૯ કરોડની જંગી મિલક્‍તો

નવી દિલ્‍હી,તા.૨૫: એસોસિયેશન ફોર ડેમોક્રેટિક દ્વારા રિફોર્મ્‍સ-એડીઆર રાજ્‍યસભાના ૨૨૬ સંસદસભ્‍યોની મિલક્‍તો, તેમના ગુનાઈત ઈતિહાસ તથા તેમની શૈક્ષણિક લાયકાત સંદર્ભે એક સર્વગ્રાહી રિપોર્ટ બહાર પાડયો છે, તેમાં ગુજરાતના રાજ્‍યસભાના ૧૧ સાંસદોની વિગતો પણ સામેલ છે. ગુજરાતને નિસબત છે ત્‍યાં સુધી દેશના ૨૨૬ સાંસદોમાંથી ૩૧

સાંસદો અબજોપતિ છે, જે લિસ્‍ટમાં રાજ્‍યના બે સાંસદો-બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ અને ગોવિદ ધોળકિયા સામેલ છે. વ્‍યવસાયે બિલ્‍ડર એવા બાબુભાઈ દેસાઈ પાસે રૂ.૩૪૭.૬૦ કરોડની જંગી મિલક્‍તો છે, જે એમણે ૨૦૨૧-૨૨માં એફિડેવિટ ઉપર દર્શાવી છે, એટલે અત્‍યારે તો આ મિલક્‍તોમાં ઘણો મોટો વધારો થયો હશે. જ્‍યારે ડાયમન્‍ડ એક્‍સ્‍પોર્ટર એવા ગોવિદ ધોળકિયા

રૂ.૨૭૯ કરોડની જંગી મિલક્‍તોના આસામી છે, જે એમણે ૨૦૨૨-૨૩માં એફિડેવિટ ઉપર દર્શાવી છે. આ મિલક્‍તોમાં પણ હાલ મોટો વધારો થયો હશે. રાજ્‍યના ૧૧ પૈકી અન્‍ય સાંસદોની મિલક્‍તો ઉપર નજર નાખીએ તો, રાજેશ શુક્‍લ પાસે રૂ.૯૨.૪૮ કરોડની, કેશરીદેવસિહ ઝાલા પાસે રૂ.૩૧.૫૪ કરોડની, કેન્‍દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર પાસે રૂ.૨૦.૦૯ કરોડની,

જશવંતસિહ પરમાર પાસે રૂ. ૧૪.૯૮ કરોડની, મયંક નાયક પાસે રૂ.૧૧.૪૫ કરોડની, કેન્‍દ્રીય મંત્રી જગતપ્રકાશ નડ્ડા પાસે રૂ.૯.૩૬ કરોડની, માનસિહ પરમાર પાસે રૂ.૫.૧૯ કરોડની, જિતેન્‍દ્ર કણઝરિયા પાસે રૂ.૩.૮૯ કરોડની અને મૂકેશ રાઠવા પાસે રૂ.૩૮.૦૮ લાખની મિલક્‍તો છે. આ બધી મિલક્‍તો આ સાંસદોએ રાજ્‍યસભામાં ઉમેદવારી કરતી વખતે એફિડેવિટ ઉપર દર્શાવેલી છે.

એડીઆરના રિપોર્ટ મુજબ રાજ્‍યસભાના ૨૨૬ પૈકી ૯૯ સાંસદો ગુનાખોરીનો કાળો ઈતિહાસ ધરાવે છે, આ યાદીમાં ગુજરાતના સૌથી ધનવાન સાંસદ બાબુભાઈ દેસાઈ સામેલ છે, જેમની ઉપર બે ફોજદારી કેસો છે, જેમાં આઈપીસીની ૩૨૩,૩૨૫, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ જેવી કલમો લાગેલી છે.

 

(10:05 AM IST)