તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
બિહારમાં રેલવે ટ્રેક પર બે હાથી ધામા નાખીને બેસી જતા વંદે ભારત સહિતની ટ્રેનો થંભી
વાલ્મીકીનગર-પાનિયહવા રૂટ પર બે કલાક સુધી રેલ વ્યવહાર ઠપ્પ થતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો

બગાહા : બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલા વાલ્મીકીનગર-પાનિયહવા રેલ્વે સેક્શન પર શુક્રવારે રાત્રે વાલ્મીકી ટાઇગર રિઝર્વ (VTR) ના બે હાથીઓ અચાનક રેલ્વે પાટા પર આવીને બેસી જતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ગજરાજની આ અણધારી હાજરીને કારણે વંદે ભારત એક્સપ્રેસ અને અમૃત ભારત એક્સપ્રેસ સહિતની અનેક મહત્વપૂર્ણ ટ્રેનો જુદા જુદા સ્ટેશનો પર ફસાઈ ગઈ હતી અને લગભગ બે કલાક સુધી રેલ વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો.
મળતી વિગતો મુજબ, શુક્રવારે રાત્રે ૮:૫૪ વાગ્યે મદનપુરના ગેટ નંબર ૬૨ ના ગેટમેને વાલ્મીકિનગર રોડ રેલ્વે સ્ટેશનને હાથીઓ પાટા પર બેઠા હોવાની જાણ કરી હતી. વાલ્મીકીનગર તરફ જઈ રહેલા આ બે હાથીઓ આસપાસની ભીડને જોઈને ઉશ્કેરાઈ ગયા હતા. સુરક્ષાના કારણોસર ટ્રેન સંચાલન તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું અને ટ્રેનોને પાનિયાહવા, બગાહા તથા ગેટ નંબર ૬૨ પર રોકી દેવાઈ હતી. ગેટ નંબર ૬૨ પાસે ઉભેલી ૧૯૭૨૫ ખાટીપુરા-દરભંગા અમૃત ભારત એક્સપ્રેસની લાઈટો ચાલુ થતાં જ હાથીઓ વધુ આક્રમક બન્યા હતા, જેથી ટ્રેનની લાઈટો તુરંત બંધ કરી દેવાઈ હતી. આ દરમિયાન ૦૪૦૯૭ શકુરબસ્તી ફેસ્ટિવલ સ્પેશિયલ અને ૫૫૦૪૦ પેસેન્જર ટ્રેન પણ બે કલાક સુધી અટવાયેલી રહી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગની ક્ષિપ્ર પ્રતિભાવ ટીમ (કવિક રિસ્પોન્સ ટીમ) તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગના સ્ટાફે અત્યંત સૂઝબૂઝ અને સાવધાનીપૂર્વક કામગીરી કરીને બંને હાથીઓને કાબૂમાં લીધા હતા અને તેમને સુરક્ષિત રીતે જંગલ તરફ પાછા ખેંચી લીધા હતા. ટ્રેક સંપૂર્ણ ખાલી થયા બાદ અને સ્થિતિ સામાન્ય બનતા જ બે કલાક પછી રેલવે વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાલ્મીકી ટાઇગર રિઝર્વ નજીકથી પસાર થતા આ રેલ્વે ટ્રેક પર અગાઉ પણ વન્યજીવોના આગમનને કારણે ટ્રેનો રોકવી પડી હોવાના કિસ્સા બન્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને રોકવા અને વન્યજીવોના રક્ષણ માટે રેલવે અને વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સ્પીડ લિમિટ, એઆઈ આધારિત એલિફન્ટ ડિટેક્શન સિસ્ટમ (EDS) કે અંડરપાસ બનાવવાની દિશામાં આગામી સમયમાં સંયુક્ત પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
