<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

લાંચમાં બે ગાય, જર્મન શેફર્ડ કૂતરો અને ફર્નિચરની માગણી

ઉત્તર પ્રદેશના STF ના પોલીસકર્મીની ગજબ ડિમાન્‍ડઃ ફરિયાદના આધારે કેસ નોંધાયો

પ્રયાગરાજ તા.૧૨: ઉત્તર પ્રદેશના એસટીએફ (સ્‍પેશ્‍યલ ટાસ્‍ક ફોર્સ)ના એક પોલીસ કર્મીએ મુકદ્દમામાંથી નામ કાઢવા માટે પક્ષકાર પાસે પૈસાની માગણી કરી. આ પૈસા એટલા માટે માગ્‍યા કે પોલીસકર્મી એ નાણામાંથી બે ગાય, એક જર્મન શેફર્ડ કૂતરો તથા ફર્નિચર ખરીદવા માગતો હતો.

હરિયાણાના હિસારમાં એ પોલીસકર્મી સામે ભ્રષ્ટાચારનો ગુનો દાખલ થયો છે. હરિયાણાના રાજ્‍ય સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી બ્‍યૂરોએ ફરિયાદ તથા ઓડિયો રેકોર્ડિગના વિશ્‍લેષણ પછી પ્રથમ દર્શનીયપણે આરોપ સાચો લાગતા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કર્યો છે. ગઈ તા. ૬ ઓકટોબરે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ-૭ અંતર્ગત કેસ નોંધાયો છે.

આખી ઘટના ગઈ તા. ૧ ફેબ્રુઆરીએ શરૂ થઈ. હિસાર જિલ્‍લાના બ્‍યાનાખેડા ગામમાં રહેતા મનવીરસિહ ઉર્ફે મન્નુનું નામ પ્રયાગરાજના નવાબગંજ પોલીસ મથકમાં નોંધાયેલા એક કેસમાં સામેલ હતું, જે હટાવવા માટે એણે પોલીસ મથકના કોન્‍સ્‍ટેબલ રણેન્‍દ્રકુમારનો સંપર્ક કર્યો. આ સમગ્ર ઘટનાક્રમ પછી મનવીરસિહ ઉર્ફે મન્નુએ પોલીસ કોન્‍સ્‍ટેબલ રણેન્‍દ્રકુમારની સામે ફરિયાદ કરી. એણે રણેન્‍દ્ર સામે કરેલા લાંચના આક્ષેપોના પુરાવારૂપે ઓડિયો રેકોર્ડિગ અને સ્‍ક્રીન શોટ પણ રજૂ કર્યા. પોલીસ તંત્ર દ્વારા મન્‍યુએ કરેલા ફરિયાદનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું. હિસારના રાજ્‍ય સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી બ્‍યુરોએ ફરિયાદની તપાસ અને રેકોર્ડિગના વિશ્‍લેષણ પછી રણેન્‍દ્ર સામે કેસ નોંધવાની ભલામણ કરી.

રણેન્‍દ્રે મનવીરનું નામ કેસમાંથી હટાવવાના બદલામાં બીજા એક યુવક મારફતે સ્‍કેનર મોકલીને ખુરશી-ટેબલ માટે ૩૫ હજાર રૂપિયા મોકલવા જણાવ્‍યું એ પછી હિમાંશુ નામના યુવકના સ્‍કેનર પર ૧૦ હજાર રૂપિયા જેમા કરાવવા જણાવાયું. પોલીસકર્મી રણેન્‍દ્રે મનવીર પાસે બે ગાય પણ માગી. જે એને મોકલી અપાઈ. એ પછી ગાય અને ભેંસની માગણી કરવામાં આવી. એ પછી નામ કાઢવાના બદલામાં લાંચ માગવામાં આવી

(10:07 AM IST)