<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

પાકિસ્તાનમાં બે દિવસમાં બે ચાઈનીઝ ફાઈટર જેટ કડાકાભેર ક્રેશ: વૈશ્વિક સ્તરે ચીનના 'ડ્રેગન' બ્રાન્ડના લીરેલીરા ઉડ્યા

સસ્તા અને ઘાતક કહીને ચીને પાકિસ્તાનને પધરાવેલા JF-17 થંડર અને ટ્રેનર જેટે હવામાં જ દગો દીધો: મ્યાનમાર અને નાઇજીરીયા બાદ હવે પાકિસ્તાન વાયુસેના માટે પણ 'મેડ ઇન ચાઇના' વિમાનો માથાનો દુખાવો બન્યા

ઇસ્લામાબાદ:  પાકિસ્તાન વાયુસેના  માટે છેલ્લા ૪૮ કલાક ભારે આફત સમાન સાબિત થયા છે, જેમાં તેના બે કિંમતી ફાઇટર જેટ કડાકાભેર ક્રેશ થઈને રાખના ઢગલામાં ફેરવાઈ ગયા છે. પ્રથમ ઘટના ૧૯ મેના રોજ બની જ્યારે પાકિસ્તાનનું મુખ્ય ગણાતું ચાઈનીઝ JF-17 થંડર ફાઇટર જેટ કામરા એરબેઝ નજીક તૂટી પડ્યું. હજુ આ આંચકામાંથી પાકિસ્તાન બહાર આવે તે પહેલા જ, આગલા દિવસે એટલે કે ૨૦ મેના રોજ મિયાંવાલી જિલ્લામાં ચીન નિર્મિત બીજું ટ્રેનર જેટ FT-7PG/K-8P પણ ટેકનિકલ ખામી સર્જાતા જમીનદોસ્ત થઈ ગયું હતું. જો કે, સદનસીબે બંને ઘટનાઓમાં પાઇલટ્સ સમયસર ઇજેક્ટ થઈ જતાં તેમનો જીવ બચી ગયો હતો, પરંતુ આ શ્રેણીબદ્ધ અકસ્માતોએ બેઇજિંગથી લઈને ઇસ્લામાબાદ સુધી સંરક્ષણ ક્ષેત્રે ભારે હોબાળો મચાવી દીધો છે.

ચીન લાંબા સમયથી વૈશ્વિક સંરક્ષણ બજારમાં તેના JF-17 થંડર વિમાનને અમેરિકાના F-16ની ટક્કરનું, સસ્તું અને અત્યંત ઘાતક હથિયાર ગણાવીને વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન આ ચાઈનીઝ ફાઈટર જેટનો દુનિયામાં સૌથી મોટો ગ્રાહક અને ઓપરેટર છે, જેની સેનામાં આવા આશરે ૧૫૦ જેટલા વિમાનો સામેલ છે. પરંતુ કોઈ પણ યુદ્ધ વગર, માત્ર સામાન્ય ઉડાન દરમિયાન જ પાકિસ્તાની આકાશમાં આ વિમાનો જે રીતે વારંવાર તૂટી પડ્યા છે, તેણે ચીની ટેકનોલોજીની પોલ ખોલી નાખી છે. પાકિસ્તાની વાયુસેનાના જાળવણી (મેઇન્ટેનન્સ) વિભાગના અધિકારીઓ હવે સ્વીકારી રહ્યા છે કે આ વિમાનોની ગુણવત્તા અને એન્જિન સિસ્ટમ પર ભરોસો કરવો મુશ્કેલ છે, જેના કારણે ચીન માટે પાકિસ્તાન હવે 'બ્રાન્ડ એમ્બેસેડર' નહીં પણ તેની પ્રતિષ્ઠાનો નાશ કરનાર એજન્ટ સાબિત થઈ રહ્યું છે.

આ આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન માટે બહુ મોટો ઝટકો છે કારણ કે ભૂતકાળમાં મ્યાનમારે પણ પાકિસ્તાન પાસેથી ખરીદેલા ચાઈનીઝ JF-17 વિમાનોના એન્જિનમાં ખામી અને રડાર ઓવરહિટીંગની ગંભીર સમસ્યાઓને કારણે તેને ઉડાડવાનું બંધ (ગ્રાઉન્ડેડ) કરી દીધું હતું. આ જ રસ્તે ચાલીને નાઇજીરીયાએ પણ પોતાના ચાઈનીઝ વિમાનોને હેંગરમાં તાળા મારી દીધા છે. જ્યારે દુનિયાના અન્ય દેશો આ વિમાનો ખરીદતા ખચકાઈ રહ્યા છે, ત્યારે પાકિસ્તાનમાં થયેલા આ ડબલ ક્રેશ બાદ ચીનના લશ્કરી હથિયારોના વેપારને અબજો ડોલરનો ફટકો પડવો નક્કી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સંરક્ષણના મામલે 'મેડ ઇન ચાઇના' પ્રોડક્ટ્સ પાકિસ્તાન માટે માત્ર કાગળના વાઘ સમાન સાબિત થઈ રહી છે.

(6:22 PM IST)