News of Sunday, 9th August 2026
ઇંદોરમાં વિવાદિત રાજા રઘુવંશીના બે ભાઈઓની દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધરપકડ: કેટ રોડ પર આવેલા 'રાજા ભોજ ઢાબા' પર અચાનક પોલીસ ત્રાટકી, લાઇસન્સ વગર દારૂ પીરસવાના અને નિયમોના ઉલ્લંઘન બદલ કારવાઈ
આબકારી એક્ટ અને BNSની કલમો હેઠળ રાવ પોલીસ સ્ટેશને કરી મોટી કાર્યવાહી; મેનેજર સચિન અને સંચાલક વિપિન સહિત કર્મચારીઓની ધરપકડ સાથે વિવાદિત રઘુવંશી પરિવાર ફરી એકવાર ચર્ચાના એરણે ચડ્યો

ઇંદોર (મધ્ય પ્રદેશ):મેઘાલયના શિલોંગમાં બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડ બાદ સમગ્ર દેશમાં જાણીતો થયેલો રઘુવંશી પરિવાર ફરી એકવાર કાયદાકીય શિકંજામાં સપડાયો છે. ઇંદોરના રાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેટ રોડ સ્થિત 'રાજા ભોજ ઢાબા' પર ગેરકાયદેસર રીતે ગ્રાહકોને દારૂ પીરસવામાં આવતો હોવાનો પર્દાફાશ થતાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે મૃતક રાજા રઘુવંશીના બે મોટા ભાઈઓ સચિન રઘુવંશી અને વિપિન રઘુવંશી સહિત ઢાબાના ત્રણ કર્મચારીઓની અટકાયત કરી છે.
પોલીસ તરફથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, શહેરમાં હોટેલો, લોજ અને ઢાબાઓ પર કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી હાથ ધરાયેલા ખાસ તપાસ અભિયાન દરમિયાન કેટ રોડ પર આવેલા 'રાજા ભોજ ઢાબા' ખાતે પણ સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કોઈ પણ યોગ્ય કે વૈધ આબકારી લાઇસન્સ વગર ગ્રાહકોને દારૂ પીરસવામાં આવી રહ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જણાતાં પોલીસે તાત્કાલિક ધોરણે આબકારી એક્ટ હેઠળ ગુનો નોંધીને ઢાબાના મેનેજર સચિન રઘુવંશી અને સંચાલક વિપિન રઘુવંશી સામે કાનૂની કાર્યવાહી કરી છે.
આ ઉપરાંત, ઢાબા પર કામ કરી રહેલા કર્મચારીઓની જરૂરી માહિતી પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવવા બદલ અને બીએનએસ (BNS)ની કલમ ૨૨૩ ના આદેશોનો અનાદર કરવા બદલ પણ સંચાલક વિપિન રઘુવંશી સામે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. સહાયક પોલીસ કમિશ્નર (ACP) નિધિ સક્સેનાના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર રીતે દારૂ પીરસવા અને નિયમોના ભંગ બદલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૭૦ સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ક્ષેત્રમાં હોટેલ, લોજ કે ઢાબામાં થતા નિયમોના ઉલ્લંઘન સામે આ પ્રકારની કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫માં લગ્ન બાદ હનીમૂન માટે મેઘાલય ગયેલા રાજા રઘુવંશીની શિલોંગમાં રહસ્યમય રીતે હત્યા કરી દેવામાં આવી હતી. તે ચર્ચિત મર્ડર કેસમાં મેઘાલય પોલીસે રાજાની પત્ની સોનમ, તેના કથિત પ્રેમી રાજ કુશવાહા અને ત્રણ ભાડૂતી હત્યારાઓની અટકાયત કરી હતી. આ સમગ્ર હત્યાકાંડ બાદ હવે ઇંદોરમાં દારૂના ગેરકાયદે વેચાણ અને નિયમભંગ મામલે રાજાના બંને ભાઈઓ સામે કડક પોલીસ કારવાઈ થતાં આ વિવાદિત પરિવાર ફરી એકવાર દેશભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
