<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

અઢી વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી નિર્દયતાથી હત્યા:પિતા સાથેની અદાવતના કારણે હત્યાકાંડને અંજામ અપાયો

બાળકના કપાળમાં લોખંડની ખીલી ઠોકાયેલી અને જમણી આંખ પાસે ગંભીર ઈજાના નિશાન :ગળું દબાવીને હત્યા કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા મૃતદેહ નદીમાં ફેંકી દેવાયો હોવાની આશંકા

બિહારના ભાગલપુર જિલ્લાના નાથનગર વિસ્તારથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં અઢી વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી તેની અત્યંત નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બાળકના પિતા સાથેની જૂની અદાવતના કારણે આ હત્યાકાંડને અંજામ અપાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે.

મૃતક બાળકના પિતા પાંચુ મંડલે જણાવ્યું કે તેમના ઘરે ત્રીજા સંતાનના જન્મ બાદ છઠ્ઠીનો પ્રસંગ યોજાયો હતો. ઘરમાં મહેમાનોની ભીડ હોવાથી તેઓ પોતાના અઢી વર્ષના પુત્ર આદિત્ય કુમારને લઈને નજીકના મહાવીર મંદિર પરિસરમાં સૂવા ગયા હતા.

મોડી રાત્રે અંદાજે અઢી વાગ્યે અજાણ્યા શખ્સોએ સૂતા બાળકનું અપહરણ કરી લીધું. સવારે પિતાની આંખ ખુલતા બાળક ગાયબ હોવાનું જાણવા મળ્યું. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ નાથનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

થોડા જ કલાકોમાં બાળકનો મૃતદેહ શ્રીરામપુર ઘાટ નજીક નદીમાં તરતો મળી આવ્યો. પરિવારજનોએ મૃતદેહ બહાર કાઢતા તેની ઓળખ આદિત્ય તરીકે થઈ હતી. બાળકના કપાળમાં લોખંડની ખીલી ઠોકાયેલી હતી અને જમણી આંખ પાસે ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.

એફએસએલની પ્રાથમિક તપાસ મુજબ બાળકની જીભ બહાર નીકળેલી હતી, જેના આધારે ગળું દબાવીને હત્યા કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા મૃતદેહ નદીમાં ફેંકી દેવાયો હોવાની આશંકા છે.

બાળકના પિતા પાંચુ મંડલે પોતાના ગોતિયા પરિવાર પર સીધો આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને છઠ્ઠીના કાર્યક્રમ દરમિયાન પણ તેમને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં નાથનગર પોલીસ, એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમો સ્થળ પર પહોંચી હતી. પોલીસે અપહરણનો ગુનો હવે હત્યાની કલમોમાં ફેરવી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને સ્થળ પરથી મળેલા વૈજ્ઞાનિક પુરાવાના આધારે આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

(2:13 PM IST)