તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ત્વિષા શર્મા મૃત્યુ કેસ: વકીલ પતિ સમર્થ સિંહ જબલપુર કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યો, પણ જજે સ્વીકારવાનો જ નનૈયો ભણી દીધો!
હાઈકોર્ટમાંથી આગોતરા જામીન અરજી પાછી ખેંચ્યા બાદ પણ કાનૂની દાવપેચ ઊંધો પડ્યો

જબલપુર: નોઈડાની પૂર્વ મોડેલ અને અભિનેત્રી ત્વિષા શર્માના શંકાસ્પદ મૃત્યુ કેસમાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. કેસનો મુખ્ય આરોપી અને ત્વિષાનો વકીલ પતિ સમર્થ સિંહ ધરપકડથી બચવા માટે આજે જબલપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (ડીજે કોર્ટ)માં આત્મસમર્પણ (સરેન્ડર) કરવા માટે બપોરે અચાનક પહોંચી ગયો હતો. જોકે, કાયદાના રક્ષકમાંથી ભક્ષક બનેલા આ આરોપીને કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે, કારણ કે ડિવિઝનલ જજે આ સમયે તેનું શરણાગતિ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ હિલચાલ પૂર્વે, મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં આજે જ તેની આગોતરા જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી, પરંતુ બચાવ પક્ષના વકીલે જામીન મળવાની કોઈ આશા ન દેખાતા છેલ્લી ઘડીએ અરજી પાછી ખેંચી લીધી હતી અને નીચલી કોર્ટમાં સરેન્ડર કરવાની તૈયારી બતાવી હતી, જે પાસા પણ હવે ઊંધા પડ્યા છે.
માત્ર પાંચ મહિના વણસેલા આ લગ્નજીવનનો કરુણ અંત ગત ૧૨ મે, ૨૦૨૬ ના રોજ આવ્યો હતો, જ્યારે ભોપાલના હાઈપ્રોફાઈલ વિસ્તાર કટારા હિલ્સ ખાતે આવેલા સાસરિયાના ઘરેથી ત્વિષાની લાશ મળી આવી હતી. ડિસેમ્બર ૨૦૨૫ માં ધામધૂમથી લગ્ન કરનાર ત્વિષાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ફાંસી હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસ તેને આત્મહત્યા માની રહી છે. પરંતુ બીજી તરફ, ત્વિષાના પરિવારે દહેજ ઉત્પીડન અને હત્યાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પીડિત પરિવારનો દાવો છે કે લગ્ન બાદથી જ સમર્થ સિંહ અને તેની માતા ગિરીબાલા સિંહ, જેઓ પોતે નિવૃત્ત ન્યાયાધીશ (જજ) છે, તેઓ ત્વિષાને દહેજની માંગણી સાથે સતત માનસિક અને શારીરિક ક્રૂરતાનો શિકાર બનાવી ટોર્ચર કરતા હતા.
ઘટનાના દિવસે ત્વિષાને હોસ્પિટલ પહોંચાડી મૃત જાહેર કરાવાયા બાદથી જ વકીલ પતિ સમર્થ સિંહ પોલીસ ધરપકડના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. હાઈપ્રોફાઈલ કેસ હોવાને કારણે અને આરોપી લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસે તેના માથા પર ઈનામ જાહેર કરવાની સાથે દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર પણ જારી કરી દીધો હતો. હવે જ્યારે જિલ્લા અદાલતે ટેકનિકલ અથવા કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે તેનું સરેન્ડર સ્વીકાર્યું નથી, ત્યારે બહાર ટાંપીને બેઠેલી પોલીસ ગમે તે ક્ષણે તેની સત્તાવાર અટકાયત કે ધરપકડ કરી શકે છે. હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશની સંડોવણી ધરાવતા આ કેસમાં કાયદાના કયા નવા વળાંકો આવે છે તેના પર સમગ્ર રાજ્યની નજર મંડાયેલી છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
