તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ટીવી ડિબેટ અને મીડિયા ટ્રાયલથી સત્ય બદલાતું નથી: દિશા સાલિયન કેસમાં સીબીઆઈની એન્ટ્રી પર આદિત્ય ઠાકરેનું આક્રમક મૌનવ્રત ભંગ
.છ વર્ષથી રાજકીય રોટલા શેકવા મારી ચારિત્ર્ય હત્યા કરાઈ પણ હું ક્યારેય દિશાને મળ્યો જ નથી: કાનૂની અને રાજકીય લડાઈ લડવા શિવશેના નેતા સંપૂર્ણ તૈયાર

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયનના મોતના બહુચર્ચિત કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દ્વારા નવી એફઆઈઆર (FIR) નોંધી તપાસ હાથ ધરાયા બાદ શિવશેના (UBT) નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ પોતાનું મૌન તોડી આકરો વળતો પ્રહાર કર્યો છે. છેલ્લા છ વર્ષથી પોતાના પર લાગી રહેલા તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવતા આદિત્ય ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ક્યારેય દિશા સાલિયનને મળ્યા નથી કે તેને ઓળખતા પણ નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના રાજકીય વિરોધીઓ અને કેટલાક સ્વાર્થી તત્વો દ્વારા સતત છ વર્ષથી કોઈ પણ નક્કર પુરાવા વિના તેમની ચારિત્ર્ય હત્યા કરવાનું ઇરાદાપૂર્વકનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે.
આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર પોતાની અધિકૃત પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ટીવી સ્ટુડિયોમાં બેસીને ચલાવવામાં આવતી મીડિયા ટ્રાયલ કે હોબાળો ક્યારેય મૂળ સત્યને બદલી શકતા નથી. તેમણે ઉમેર્યું હતું કે નિષ્પક્ષ કાનૂની તપાસમાં હંમેશા સત્ય જ બહાર આવે છે. રાજકીય બદલાની ભાવોનાથી કે ખોટી અફવાઓના આધારે તેમને જનતાના હક અને સત્ય માટે લડતા કોઈ રોકી શકશે નહીં. તેઓ આ કેસની સત્તાવાર પુનઃતપાસ અને કાનૂની પ્રક્રિયાનો સામનો કરવા સંપૂર્ણપણે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટના વલણ બાદ સીબીઆઈએ આ કેસમાં ફરીથી તપાસ હાથ ધરી છે. દિશાના પિતા સતીશ સાલિયનના નિવેદનના આધારે નોંધાયેલી એફઆઈઆરમાં કોઈનું સીધું નામ ન હોવા છતાં, આદિત્ય ઠાકરે, અભિનેતા ડીનો મોરિયા, સૂરજ પંચોલી અને તત્કાલીન તપાસ અધિકારીઓની ભૂમિકાની સઘન તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથે આ આખી કાર્યવાહીને દિલ્હીથી રચાયેલું રાજકીય કાવતરું ગણાવ્યું છે. ચૂંટણી ટાણે સીબીઆઈની આ નવી એન્ટ્રીથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
