News of Thursday, 30th April 2026
પંજાબના રાજકારણમાં ‘ટર્બનેટર’ની નવી ગુગલી: ભાજપમાં જોડાયેલા હરભજન સિંહે સરકાર સામે માંડ્યો મોરચો, સુરક્ષા હટાવતા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા
ઘરની દીવાલ પર ‘ગદ્દાર’ લખનારા સામે કડક કાર્યવાહીની માંગ; પંજાબ-હરિયાણા હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકારી નોટિસ, જાણો શું છે આખો વિવાદ

જલંધર : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહ અત્યારે મેદાનની બહાર રાજકીય પીચ પર આક્રમક બેટિંગ કરી રહ્યા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ હરભજન સિંહ અને પંજાબ સરકાર વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. પંજાબ સરકારે હરભજન સિંહની સુરક્ષા પાછી ખેંચી લેતા, તેમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
શા માટે હાઈકોર્ટ જવું પડ્યું?
હરભજન સિંહે પોતાની અરજીમાં જણાવ્યું છે કે ગત શનિવારે અચાનક તેમની સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. સુરક્ષા વગર તેમને જોખમ અનુભવાઈ રહ્યું છે, કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કેટલાક શખ્સોએ જલંધર સ્થિત તેમના ઘરની દીવાલ પર ‘ગદ્દાર’ (દેશદ્રોહી) લખી દીધું હતું. હરભજન સિંહે આ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને તેમની સુરક્ષા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.
હાઈકોર્ટે શું લીધો નિર્ણય?
હરભજન સિંહની આ અરજી પર સુનાવણી કરતા પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પંજાબ સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી માટે 12 મેની તારીખ નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે હરભજન સિંહ ભાજપમાં જોડાયા તે પહેલા જલંધર પોલીસ દ્વારા તેમના ઘરની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ પક્ષ પલટાના થોડા જ દિવસોમાં આ સુરક્ષા હટાવી લેવાઈ હતી.
AAP થી ભાજપ સુધીની સફર
હરભજન સિંહે પોતાના રાજકીય કરિયરની શરૂઆત માર્ચ 2022 માં આમ આદમી પાર્ટી દ્વારા કરી હતી, જ્યારે તેમને પંજાબમાંથી રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. જોકે, એપ્રિલ 2026 માં તેમણે રાઘવ ચઢ્ઢા અને સ્વાતિ માલીવાલ જેવા અન્ય 6 સાંસદો સાથે મળીને AAP છોડી દીધી અને ભાજપનો કેસરીયો ધારણ કર્યો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ સાંસદોને ‘પંજાબના ગદ્દાર’ કહીને સંબોધ્યા હતા, જેના કારણે હવે આ રાજકીય લડાઈ કાયદાકીય વળાંક પર પહોંચી છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
