તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
સિક્કિમમાં ભૂસ્ખલનથી ટનલ ધરાશાયી: ૧૧ શ્રમિકોના કરૂણ મોત, મિથેન ગેસના લીકેજ અને ભારે વરસાદ વચ્ચે ૨૫થી વધુ કામદારોને બચાવવા 'રેસ્ક્યૂ ઓપરેશન' તેજ
તીસ્તા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ૭ કિમી લાંબી સુરંગમાં કાળનો પંજો: પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે સિક્કિમના સીએમ સાથે વાત કરી તમામ મદદની આપી ખાતરી

ગંગટોક, તા.૨૧: સિક્કિમના નામચી જિલ્લામાં આવેલી એક નિર્માણાધીન સુરંગમાં ભૂસ્ખલનને કારણે કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. સમરદુંગ સ્થિત 'NHPC તીસ્તા સ્ટેજ VI' હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ૭ કિલોમીટર લાંબી ટનલ અચાનક ધરાશાયી થતાં મોટી સંખ્યામાં મજૂરો અને એન્જિનિયરો અંદર ફસાઈ ગયા છે. આ હોનારતમાં અત્યાર સુધીમાં ૧૧ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે અને તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ ૨૫થી વધુ કામદારો જિંદગી અને મોત વચ્ચે ઝૂમી રહ્યા હોવાની આશંકા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નામચી જિલ્લા વહીવટીતંત્ર, NDRF, SDRF, સિક્કિમ પોલીસ, ફાયર બ્રિગેડ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું છે. સ્થળ પરની પરિસ્થિતિ અત્યંત ગંભીર અને પડકારજનક બનેલી છે.
મિથેન ગેસનું લીકેજ અને ધોધમાર વરસાદ બન્યા વિલન
બચાવ કામગીરીમાં કુદરત અને ઝેરી ગેસ સૌથી મોટા વિલન સાબિત થઈ રહ્યા છે. સુરંગની અંદર શંકાસ્પદ રીતે 'મિથેન ગેસ'નું લીકેજ શરૂ થતાં રેસ્ક્યૂ ટીમ માટે શરૂઆતમાં અંદર જવું અશક્ય બની ગયું હતું. આ સાથે જ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાન છતાં બચાવ કાર્યકરો પોતાના જીવના જોખમે ટનલમાં ફસાયેલા એન્જિનિયરો અને મજૂરોને જીવંત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૧માંથી ૭ મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે.
પીએમ મોદી અને અમિતભાઈ શાહે પરિસ્થિતિનો તાગ મેળવ્યો
આ દુઃખદ અકસ્માત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ (ગોલે) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને રાહત અને બચાવ કામગીરીની વર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. કેન્દ્ર સરકારે આ કટોકટીની ઘડીમાં સિક્કિમ સરકારને તમામ સંભવિત મદદ અને વધારાની સેન્ટ્રલ રેસ્ક્યૂ ટીમ મોકલવાની ખાતરી આપી છે.
હાલમાં વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહીને સમગ્ર સ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે અને ફસાયેલા શ્રમિકોને વહેલી તકે સલામત બહાર લાવવા માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
